Site icon Gujarat Mirror

રાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોત

ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતો યુવાન રાજકોટ ઈમિટેશનના કામ અર્થે આવ્યો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી એકની એક બહેનનો એકનો એક ભાઈ અને ચાર બાળકોએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતો વિનુ કેદાભાઈ જાદવ નામનો 38 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં રાજકોટમાં નવાગામ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી સામે રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં હતો ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

મૃતક વિનુભાઈ જાદવ એકની એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. વિનુભાઈ જાદવ રાજકોટમાં ઈમિટેશનનું કામ કરવા માટે આવ્યો હતો. તે દરમિયાન આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version