ગુજરાત
વેરાવળના બીજ ગામે સરસ્વતી નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
એકાદ કલાકની શોધખોળ બાદ ફાયર વિભાગના સ્ટાફે મૃતદેહ બહાર કાઢયો: પરિવારમાં શોક
વેરાવળ નજીકના બીજ ગામે સરસ્વતી નદીમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી એક પાણીમાં ગરકાવ બનતા મોતને ભેટ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મિત્રોનો આબાદ બચાવ થયો છે. જો કે, એક મિત્રના મોતના પગલે ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરે એકાદ વાગ્યાના સુમારે વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા પિયુષ જેસાભાઈ પંડિત નામનો 20 વર્ષીય યુવક અન્ય ત્રણ મિત્રો સાથે ગામના પાદરમાંથી પસાર થતી સરસ્વતી નદીના ચેક ડેમમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં ન્હાતી વખતે અકસ્માતે ચારેય યુવકો નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જો કે, અન્ય ત્રણ મિત્રોનો ચમત્કારિક બચાવ થતાં બહાર નીકળી ગયા હતા. જ્યારે પિયુષ પંડિત પાણીમાં ડુબી ગયો હતો. આ અંગે બચી ગયેલા ત્રણેય યુવકો દ્વારા તાત્કાલિક ગ્રામ્યજનોને જાણ કરવામાં આવી હતી. પ્રથમ ગ્રામ્યજનોએ યુવકને બચાવવાના પ્રયત્નો કરેલ અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવતા ટીડીઓ ભાવસિંહ પરમાર, મામલતદાર એસ.કે શ્રીમાળી અને પ્રભાસ પાટણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં વેરાવળની ફાયર ફાઈટરની ટીમ દ્વારા ફાઇબર બોટ મારફતે નદીમાં લાપતા બનેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવતા અંદાજે એકાદ કલાકની શોધખોળ બાદ ચેકડેમથી 500 મીટર દુર યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં તંત્ર દ્વારા યુવકના મૃતદેહને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને પરિવારમાં મોટો ભાઈ તથા માતા પિતા સાથે રહેતો. ખેતી કામ કરતા આ પરિવારના આશાસ્પદ યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર તેમજ નાના એવા બીજ ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.