ધોરાજીના વેગડી પાસે ટેમ્પો પલટી જતા મગફળીનું બિયારણ ખરીદી પરત ફરતા યુવકનું મોત

લોધીકાના નગરપીપળીયા ગામે રહેતો યુવાન 18 દિવસ પૂર્વે જૂનાગઢથી મગફળીના બિયારણની ખરીદી કરી પરત ફરતો હતો. ત્યારે વગડી ગામ પાસે ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો…

લોધીકાના નગરપીપળીયા ગામે રહેતો યુવાન 18 દિવસ પૂર્વે જૂનાગઢથી મગફળીના બિયારણની ખરીદી કરી પરત ફરતો હતો. ત્યારે વગડી ગામ પાસે ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાલક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકા તાલુકાના નગરપીપળીયા ગામે રહેતા સંજય રામજીભાઇ દોંગા (ઉ.વ.41), કાન્તીભાઇ દોંગા અને પરેશભાઇ દોંગા ટેમ્પો લઇ 18 દિવસ પૂર્વે જૂનાગઢ મગફળીનું બિયારણ લેવા ગયા હતા. જયાથી પરત ફરતી વખતે વેગડી ગામ પાસે પહોંચતા ટેમ્પો ચાલક પરેશભાઇ દોંગાએ ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા ટેમ્પો ચાલક સહિત ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલા સંજયભાઇ દોંગાનું સારવારમાં મોત નીજપતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક સંજયભાઇ બે બહેનોના એકના એક મોટાભાઇ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંજયભાઇ જૂનાગઢથી મગફળીનુ બિયારણ લઇ પરત ફરતા હતા. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ધોરાજી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.