જોડિયા નજીક ડાયવર્ઝન નહીં દેખાતાં કાર અકસ્માતમાં એક યુવાનનું મોત

જામનગર જિલ્લાના જોડીયા નજીક આઈટીઆઈ કોલેજ પાસે પુલના કામ દરમિયાન બનાવવામાં આવેલા ડાયવર્ઝન પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં એક યુવાનનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ…

જામનગર જિલ્લાના જોડીયા નજીક આઈટીઆઈ કોલેજ પાસે પુલના કામ દરમિયાન બનાવવામાં આવેલા ડાયવર્ઝન પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં એક યુવાનનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં કાર અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ ધ્રોલના ફતેહપુરા સોસાયટી વિસ્તારમાં રહેતા ઇકબાલભાઈ જીકરભાઈ ભલાયા દ્વારા જોડિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમનો પુત્ર મુસ્તફારજા ઇકબાલભાઈ ભલાયા, (ઉંમર વર્ષ 20) ગત રાત્રે પોતાના પાડોશી હારૂૂનભાઈ હમીરાણીની જીજે-10-ઈસી-3543 નંબરની ફોરવ્હીલ કાર લઈને જોડીયા ખાતે ગુલાબશા પીરના ઉર્ષમાં જવા નીકળ્યો હતો.

દરમિયાન જોડીયા-ભાદરા રોડ પર આવેલ આઈટીઆઈ કોલેજ નજીક પુલનું કામ ચાલી રહ્યું હોવાથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. રાત્રિના અંધારાના કારણે ડાયવર્ઝન દેખાયું નહીં હોવાથી કાર સીધી પુલના કામ તરફ જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મુસ્તફારજાને સારવાર માટે જોડીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મૃતક ના પરિવારમાં માતમ છવાયો છે.

હિટ એન્ડ રનનો બનાવ, દંપતી ઇજાગ્રસ્ત
જામનગર શહેરના હવાઈ ચોક નજીક કિશોર રસડેપોની સામે જાહેર રોડ પર બેફામ દોડતી બાઈક ચાલકે ઓવરટેક કરવાની હોડમાં અન્ય બાઈકને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ અફઝલભાઈ સબીરભાઈ ફુલવાલા (રહે. દરબારગઢ પોલીસ ચોકી સામે, જામનગર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પિતા સબીરભાઈ મજીદભાઈ અને માતા રોશનબેન તા. 06/05/2026 ના રોજ રાત્રે આશરે 21:30 વાગ્યે પોતાની મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-10-ઇએ-5267 ના ચાલકે પોતાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઓવરટેક કરવા જતા સાઇડમાંથી ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે સબીરભાઈને જમીન પર પટકાતા જમણા પગની એડીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે રોશનબેનને જમણા હાથમાં છોલ છાલ જેવી ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ આરોપી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 281, 125-એ, 125-બી તથા મોટર વાહન અધિનિયમ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.