Site icon Gujarat Mirror

મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોત

શહેરમાં પરસાણાનગરમાં રહેતો અને રેલવે એપ્રેન્ટીસનો કોર્સ કરતાં બિહારી યુવાન મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતો હતો ત્યારે ચીનોઈ રોડ પર બાઈક સ્લીપ થતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારનો વતની અને હાલ છેલ્લા 11 મહિનાથી પરસાણાનગર વિસ્તારમાં રૂૂમ રાખીને રહેતો અમિતકુમાર સુબોધ તંતી (ઉં 30) તેના અન્ય ચાર મિત્રો સાથે ગઈકાલે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. સાંજના સમયે ક્રિકેટ રમીને તમામ મિત્રો બાઈક પર આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા હતા, ત્યારે ચિનોઈ રોડ પર અચાનક બાઈક સ્લીપ થઈ જતા બાઈક પર સવાર બે મિત્રો રોડ પર પટકાયા હતા, જેમાં અમિતકુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મિત્રને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક અમિતકુમાર રાજકોટમાં રહીને રેલવેમાં 1 વર્ષનો એપ્રેન્ટિસ કોર્સ કરતો હતો, જે પૂરો થવામાં માત્ર એક જ મહિનો બાકી હતો. ઉજ્જવળ ભવિષ્યની આશાએ બિહારથી રાજકોટ આવેલા આશાસ્પદ યુવાનના મોતના સમાચારથી તેના વતન અને અહીં રહેતા મિત્ર વર્તુળમાં ભારે શોક વ્યાપી ગયો છે.

પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version