Site icon Gujarat Mirror

સિવિલ હોસ્પિટલમાં દાખલ સંબંધીને ટીફિન આપવા જતા યુવકનું બાઇક કાર પાછળ ઘૂસી જતા મોત

ત્રંબા પાસે બનેલી ઘટના: યુવાને સારવારમાં દમ તોડતા શ્રમિક પરિવારમાં શોક

શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે ખેત મજૂરી કરતો યુવાન ત્રણ દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં દાખલ સંબંધીને ટિફિન આપવા માટે આવતો હતો. ત્યારે કાર પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલકનું સારવારમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ત્રંબા ગામે ખેત મજૂરી કરતા ચંદુભાઈ હર્ષન્દભાઈ શિંગડા નામનો 40 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે બપોરના બે વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને રાજકોટ તરફ આવતો હતો ત્યારે ત્રંબા ગામ નજીક પહોંચતા આગળ જતી કાર પાછળ બાઈક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદુભાઈ શિંગડાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચંદુભાઈ શિંગડા મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને સિવિલ હોસ્પિટલમાં દાખલ સંબંધિતને ટિફિન દેવા આવતો હતો ત્યારે આગળ જતી કાર પાછળ બાઈક ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version