શાપરના પારડી ગામે અગાશી પરથી પટકાયેલા યુવાનનું મોત

પિતાએ ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ ગટગટાવ્યું શાપરના પારડી ગામે રહેતો યુવાન અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી…

પિતાએ ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ ગટગટાવ્યું

શાપરના પારડી ગામે રહેતો યુવાન અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ છોટા ઉદેપુરનો વતની અને હાલ શાપરના પારડી ગામે બનેવી સાથે રહેતો સંતોષ બકુલભાઈ રાઠવા (ઉ.વ.22) રાત્રીના અગાશી પર સુવા ગયો હતો. ત્યારે ખાટલો રાખતી વખતે પગ લપસતા યુવાન નીચે પટકાયો હતો. યુવાનનું સારવારમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મૃતક યુવક એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. જ્યારે બીજા બનાવમાં પારડી ગામે વૃંદાવન સોસાયટીમાં રહેતી સ્નેહલબેન મહેશભાઈ રાણવા નામની 20 વર્ષની યુવતીને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠું લાગતા પુત્રીએ ફીનાઇલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.