Site icon Gujarat Mirror

લાલપુરના પડાણામાં પોલીસથી ભાગવા છલાંગ લગાવતા શ્રમિકનું માથુ ફાટી ગયું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વિચિત્ર દુર્ઘટના સર્જાઈ છે. પોલીસ આવી જવાની ભીતીને લઈને એક પર પ્રાંતિય શ્રમિકે ઉપરથી છલાંગ લગાવી ભાગવા જતાં નીચે પટકાઈ પડ્યો હતો, અને માથું ફાટી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે આકસ્મિક મૃત્યુ ની બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, તા. 18/04/2026 ના સવારે લગભગ 04:00 વાગ્યા પહેલા કોઈપણ સમયે પડાણા ગામે રહેતા બલજીતસિંહ મખનસિંહ (ઉંમર 51), મૂળ અમૃતસર (પંજાબ)ના રહેવાસી અને હાલ મજૂરી કામ કરતા હતા, તેઓ પોતાના રૂૂમમાં કોઈ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી રહ્યા હતા.

આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 ઇમર્જન્સી સેવા પર કોલ કરવામાં આવતાં પોલીસની જનરક્ષક ગાડી સ્થળ પર પહોંચી હતી. પોલીસ આવી પહોંચતાં બલજીતસિંહ ગભરાઈ જતા પોતાના રૂૂમ પરથી નીચે કૂદકો માર્યો હતો.

કૂદકા દરમિયાન તેઓ નીચે પડેલા પથ્થર પર પડતાં માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.સી. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઇ
જામનગર શહેરના સીટી એ. ડીવીજન પોલીસ સ્ટેશન હેઠળના નાનકપુરી વિસ્તારમાં સર્વેલન્સ સ્કોડ દ્વારા જુગાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ગઈકાલે સાંજે નાનકપુરી મહાદેવ મંદિર નજીક જાહેર સ્થળે રેઇડ કરવામાં આવી હતી. દરમિયાન પાંચ મહિલાઓ ગંજીપતાના પાનાથી ‘તીનપત્તી’ નામનો જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાઈ હતી, અને પૈસાની હારજીત કરતા પકડાઈ ગઈ હતી. જેમાં કીરણબેન હસમુખભાઈ સાવલીયા (ઉ.વ. 44), જોશનાબેન પ્રવીણભાઈ કનખરા (ઉ.વ. 62), પુષ્પાબેન મનીષભાઈ ચાવડા (ઉ.વ. 56), સવીતાબેન માલદેભાઈ નંદાણીયા (ઉ.વ. 55), અને અસ્મીતાબેન રજનીભાઈ ભુવા (ઉ.વ. 48) વગેરેની અટકાયત કરી લઈ, પોલીસે તેઓની પાસેથી રૂૂ. 11,250 ની રોકડ તેમજ ગંજીપતાના 52 પાનાં જપ્ત કર્યા હતા. આ કામગીરી પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા તથા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ મામલે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version