ગુજરાત
સહારા ક્રેડિટ સોસાયટી સામે 1.22 લાખ વસુલવા મહિલાએ કરેલો દાવો નામંજૂર
મહિલાએ ફિક્સ ડિપોઝીટની રકમ મુદ્દે મંડળી વિરુદ્ધ કોર્ટના દ્વાર ખખડાવ્યા’ તા
જેતપુર સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની સામેનો ફિક્સ ડિપોઝિટની રકમ મહિલા વાદીનો દાવો સિવિલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ જેતપુરના ભારતીબેન ધીરુભાઈ ગજેરાએ સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી સામે ₹1,22,115 વસૂલવા દાવો કર્યો હતો. આ દાવાના કામે ક્રેડિટ સોસાયટીના વકીલે દલીલો કરી હતી કે દાવો દાખલ કરતા અગાઉ રજીસ્ટ્રારને નોટિસ આપી નથી, તકરાર સભ્ય અને સોસાયટી વચ્ચેની છે તેમજ આ પ્રકારની તકરારનું નિવારણ કરવા કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ જુદુ ફોરમ છે તેથી અત્રેની કોર્ટમાં આ દાવો ચલાવી શકાય નહિ.
તેમજ દલીલોના સમર્થનમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જુદા જુદા જજમેન્ટો રજૂ કર્યા હતા, જે ધ્યાનમાં લઇ જેતપુર સિવિલ કોર્ટ દ્વારા વાદી ભારતીબેન ધીરુભાઈ ગજેરાનો દાવો નામંજૂર કરવામાં આવ્યો છે. આ કેસમાં ક્રેડિટ સોસાયટી વતી એડવોકેટ મયુર વસા અને તેજશ ખરચલિયા રોકાયા હતાં.