Site icon Gujarat Mirror

ધોરાજીમાં 5 લાખ વ્યાજે આપી 35 લાખનું મકાન પડાવી લેનાર વ્યાજખોર ઝડપાયો

રાજકોટ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ધોરાજી પંથકમાં એક મજબૂર પિતાએ પોતાના ધંધા માટે લીધેલા પાંચ લાખ રૂૂપિયા જાણે તેના માટે કાળ બનીને આવ્યા હોય તેમ લાગે છે. વ્યાજખોરે ઊંચા વ્યાજની ઉઘરાણી કરી વૃદ્ધનું 35 લાખનું મકાન પડાવી લીધું અને એટલું જ નહીં, ખાલી ચેકનો દુરુપયોગ કરી કોર્ટ કેસ પણ ઠોકી દીધો! આખરે કંટાળીને વૃદ્ધે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. આ ઘટના છે ધોરાજીની, જ્યાં અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા નામના 56 વર્ષીય મજૂરી કામ કરતા વૃદ્ધ વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયા છે.

આજથી આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં અરવિંદભાઈને માર્કેટ યાર્ડમાં કેન્ટીન ચલાવવા માટે પૈસાની જરૂૂર પડી હતી. તેમણે જામકંડોરણાના હરપાલસિંહ ચુડાસમા પાસેથી 3 ટકા વ્યાજે 5,00,000 રૂૂપિયા ઉછીના લીધા હતા. તેના બદલામાં હરપાલસિંહે સહી કરેલા કોરા ચેક પણ લખાવી લીધા હતા. શરૂૂઆતમાં અરવિંદભાઈએ નિયમિત વ્યાજ ચૂકવ્યું, પરંતુ ચોમાસામાં ધંધો મંદ પડતા તેઓ વ્યાજ ન ભરી શક્યા. આ તકનો લાભ ઉઠાવી વ્યાજખોર હરપાલસિંહે ધાક-ધમકી આપીને અરવિંદભાઈનું 35 લાખની કિંમતનું મકાન પડાવી લેવાની પેરવી કરી. મકાન પરની 11 લાખની લોન ભરી આપીને, વ્યાજખોરે આ કિંમતી મકાન પોતાના નામે કરાવી લીધું. મકાન પચાવી પાડ્યા પછી પણ વ્યાજખોરની ભૂખ શાંત ન થઈ. તેણે અરવિંદભાઈને ધમકી આપી કે, આ મારા બાપનું મકાન છે.

વ્યાજના પૈસા આપી દેજો નહીતર હાથ-પગ ભાંગી નાખીશ. ડરના માર્યા અરવિંદભાઈએ મકાન ખાલી કરી દીધું અને ભાડે રહેવા જતા રહ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે વ્યાજખોરે જૂના કોરા ચેકનો ઉપયોગ કરી અરવિંદભાઈ પર કોર્ટમાં લાખો રૂૂપિયાના ચેક બાઉન્સના કેસ કરી દીધા. આખરે હિંમત ભેગી કરી અરવિંદભાઈએ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં હરપાલસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5) અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. કાકડીયા ચલાવી રહ્યા છે.

Exit mobile version