રાજકોટના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂ ભરીને જતો ટ્રક ગોંડલ હાઇવે પરથી ઝડપાયો

દારૂનો જથ્થો રાજકોટથી જૂનાગઢ જતો હતો, લાકડાના બોક્સમાં છૂપાવેલી 912 બોટલો કબજે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાની ટીમે ગોંડલ તાલુકાના ભરૂૂડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે…

દારૂનો જથ્થો રાજકોટથી જૂનાગઢ જતો હતો, લાકડાના બોક્સમાં છૂપાવેલી 912 બોટલો કબજે

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખાની ટીમે ગોંડલ તાલુકાના ભરૂૂડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે પરથી બાતમીના આધારે દારૂૂની હેરાફેરી પકડી પાડી છે. રાજકોટ તરફથી જૂનાગઢ તરફ જઇ રહેલી એક ટાટા ટ્રકમાં ટ્રાન્સપોર્ટ પાર્સલની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસની ટીમે પંચોની હાજરીમાં ભરૂૂડી ફીલ્ડ ઓફિસ સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટાટા ટ્રક આવતા તેને કોર્ડન કરીને રોકી લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ અર્થે ભરૂૂડી ફીલ્ડ ઓફિસે લાવવામાં આવ્યો હતો.

પોલીસ ટીમ દ્વારા વાહનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા ટ્રકમાં વી-ટ્રાન્સ ટ્રાન્સપોર્ટ કંપનીના અલગ-અલગ 437 જેટલા પાર્સલો ભરેલા મળી આવ્યા હતા. તે પૈકી સાત લાકડાના બોક્સ શંકાસ્પદ જણાતા તેને પંચોની હાજરીમાં ખોલીને જોતા અંદરથી 180 એમ.એલ.ની વિદેશી દારૂૂની કુલ 912 બોટલો (કિંમત રૂૂ. 91,200) મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન વાહનના ડ્રાઇવર દિલાવરભાઇ ઉર્ફે નુરો મહમદભાઇ ચોપડા તથા ક્લીનર ઇરફાનભાઇ કાસમભાઇ નારેજા (બંને રહે. જૂનાગઢ) દારૂૂનો જથ્થો રાખવા માટે કાયદેસરનો પાસ-પરમિટ રજૂ કરી શક્યા ન હતા.

આથી પોલીસે દારૂૂ, 2 મોબાઇલ ફોન, રૂૂ. 5 લાખની કિંમતનો ટ્રક તથા રૂૂ. 17.13 લાખથી વધુ કિંમતના અન્ય પાર્સલ મળી કુલ રૂૂ. 23,14,737 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, દારૂૂનો આ જથ્થો રાજકોટ રૂૂડાનગર સ્થિત વી-ટ્રાન્સ ટ્રાન્સપોર્ટના વેરહાઉસથી ભરવામાં આવ્યો હતો અને જૂનાગઢ સાબલપુર ખાતે પહોંચાડવાનો હતો. આ સમગ્ર કૌભાંડમાં દારૂૂનો જથ્થો મોકલનાર મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત રમેશ એન્ટરપ્રાઇઝ તથા જથ્થો મંગાવનાર જૂનાગઢના સુખપુર સ્થિત સંજય એન્ટરપ્રાઇઝના સંચાલકો હોવાનું ખુલ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, રેઇડ દરમિયાન પકડાયેલા બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે.