ગુજરાત
નવા રિંગ રોડ પર જોખમી સ્ટંટ કરનાર ત્રિપુટી પકડાઇ; કહ્યું, અમારી ભૂલ થઇ ગઇ
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે ગુનો નોંધ્યો હતો
રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ ઉપરાંત અન્ય સ્થળોએ પણ સરાજાહેર રોડ ઉપર વાહનોથી સ્ટંટ કરવા તેમજ રોડ ઉપર જ બર્થ ડે ઉજવવા અને ફટાકડા ફોડવાના વીડિયો અવારનવાર વાયરલ થાય છે. તાજેતરમાં દિવાળીના તહેવારમાં નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર બાઈક પર સ્ટંટ કરી પ્રતિબંધ હોવા છતાં જાહેર રોડ ઉપર ફટાકડા ફોડતા શખ્સોનો વીડિયો વાયરલ થયો હતો. રેસીંગ ટ્રેક હોય તેમ રોડ પર વાહનો ચલાવતા આ શખ્સોનો વીડિયો વાયરલ થયા બાદ જાગેલી પોલીસે આ અંગે ત્રણ શખ્સો સામે ગુનો નોંધયો છે.
જેની સામે ગુનો દાખલ થયો છે તેમાં વિજય મગન મકવાણા, અજીત વિજય કાણોતરા અને ગુલામ હસન અમજદ પઠાણનો સમાવેશ થાય છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર પાસે અમુક શખ્સો જાહેર રોડ ઉપર રેસીંગ ટ્રેક હોય તેમ બાઈક સ્ટંટ કરતા હોવાનું અને રોડ ઉપર ફટાકડા ફૂટતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેને લઈ ગાંધીગ્રામ-2 પોલીસના સ્ટાફે તપાસ કરતાં વિજય મકવાણા, અજીત કાણોતરા અને ગુલામહસન પઠાણ બાઇક પર સ્ટંટ કરી આડેધડ ફટાકડા ફોડ્યા હોવાનું જાણવા મળતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.ત્રણેય શખ્સોને પકડતા અટકાયત કરાયેલા શખ્સોએ અમારી ભૂલ થઈ છે અને તમે લોકો પણ આવી ભૂલ ન કરતા કહી માફી માંગી હતી.