Site icon Gujarat Mirror

માંડવીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ, માતાએ 9 માસની દીકરી સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવ્યો

 

માંડવી તાલુકાના મદનપુરામાં આજે રસોઈ અને ચા બનાવવાના સામાન્ય મુદ્દે પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો હતો. આ બોલાચાલીને લઈ 19 વર્ષીય પત્ની કૈલાસબેન સંદીપ નાયરને મનમાં લાગી આવતાં તેણે ઝેરી દવા ગટગટાવી હતી અને વધુમાં તેની નવ માસની દીકરી સુહાનીને પણ ઝેરી દવા પીવડાવીને બંનેનાં મોત થતાં ચકચાર પ્રસરી છે. આ કરુણ બનાવ અંગે આજે કોડાય પોલીસ મથકે મૂળ સરગઈ (તાલુકો બોડેલી, જિલ્લો છોટા ઉદયપુર)ના અને હાલે મદનપુરા રહેતા સંદીપ શાંતિલાલ નાયરે જાહેર કરેલી વિગતો મુજબ રસોઈ અને ચા બનાવવાના મુદ્દે તેની પત્ની કૈલાસબેન સાથે બોલાચાલી થઈ હતી. આથી કૈલાસબેનને મનમાં લાગી આવતાં આજે બપોરે એક વાગ્યાના અરસામાં તેણે જાતે આવેશમાં આવીને ખેતીમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી ગઈ હતી અને જંતુનાશક દવા તેમની નવ માસની દીકરી સુહાનીને પણ પીવડાવી દેતાં બંનેનાં મૃત્યુ થયાં હતાં. આ કરુણ બનાવ અંગે હાલ કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

ચરસ સાથે ઝડપાયા
યુવાનોમાં નશાની બદી બેકાબૂ બની છે. માદક પદાર્થ ઝડપાવાના કિસ્સા પણ વધ્યા છે. આ વચ્ચે રાજસ્થાનથી કાર મારફત આવતા ભુજના ત્રણ યુવાનને રાજસ્થાની સીમા ઉપર ખોડા ચેકપોસ્ટ ખાતે ત્યાંની પોલીસે કાર રોકાવી યુવાનોની અંગઝડતી દરમ્યાન માદક પદાર્થ ચરસ મળતાં કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ અંગે વાવ-થરાદ પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત વાહન ચેકિંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી કાર ટ્રાઈબર નં. જીજે-12-એફઈ-1093માં સવાર ઈસમોની અંગઝડતી દરમ્યાન માદક પદાર્થ ચરસ (કેનાબિસ) 14 ગ્રામ કિં.રૂૂા. 3500 તથા ત્રણ મોબાઈલ કિં. રૂૂા. 15000 અને કારની કિં.રૂૂા. 10 લાખ એમ કુલ રૂૂા. 10,18,500ના મુદ્દામાલ સાથે અબ્દુલ હમીદ કાસમ ચાવડા, સમીરભાઈ અબ્દુલગની કુરેશી અને સબીરહુસેન અલીમહમદ સોઢા (રહે. ત્રણે ખારીનદી રોડ, ભુજ)ને ઝડપી એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Exit mobile version