ભક્તના સ્વાંગમાં ચોરે દર્શન કરવા પૂજારી પાસેથી ચાવી માંગી રૂ.1.95 લાખના છત્તરની ચોરી કરી

રાજકોટ શહેરમાં સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. મોરબી રોડ પર આવેલી ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગણેશ પાર્કમાં સ્થિત બ્રહ્માણી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો…

રાજકોટ શહેરમાં સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. મોરબી રોડ પર આવેલી ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગણેશ પાર્કમાં સ્થિત બ્રહ્માણી માતાજીના મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. આ ચોરીની ઘટનામાં મંદિરમાંથી ચાંદીનું મોટું છત્તર અને ખેતલાઆપાનું ફળું એમ કુલ આશરે એક કિલોગ્રામ વજન ધરાવતા ચાંદીના દાગીનાની ચોરી થઈ છે, જેની અંદાજીત કિંમત 1,95,000 રૂૂપિયા જણાવવામાં આવી છે.

ચોરીની ઘટનાની વિગતો મુજબ, તા. 05/07/2026 ના રોજ બપોરના 12:00 થી 12:45 ના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હતો. મંદિરમાં સેવા-પૂજાની જવાબદારી સંભાળતા ફરિયાદી ટપુભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, બપોરના સમયે એક અજાણ્યો વ્યક્તિ મંદિરે આવ્યો હતો અને દર્શન કરવાના બહાને તેમની પાસેથી મંદિરની ચાવી લઈ ગયો હતો. ત્યારબાદ, ઘણો સમય વીતી જવા છતાં તે વ્યક્તિ ચાવી પરત આપવા ન આવતા, ટપુભાઈને શંકા ગઈ હતી. જ્યારે તેઓ મંદિર પાસે પહોંચ્યા ત્યારે મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને તપાસ કરતા ચાંદીનું છત્તર અને ખેતલાઆપાનું ફળું ગાયબ હોવાનું જણાયું હતું. અજાણ્યા શખ્સે અત્યંત ચતુરાઈથી મંદિરની ચાવીનો ઉપયોગ કરીને આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.

આ ઘટના અંગે મંદિર સાથે સંકળાયેલા જસમતભાઈ દયાળજીભાઈ પરસાણાએ રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે પોલીસે કલમ 305(ડી) અને 331(3) હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ અંગેની વધુ તપાસ પીએસઆઈ નિખિલ ડોબરીયા ચલાવી રહ્યા છે.