ગુજરાત
જૂનાગઢની જ્ઞાનબાગ ગુરુકુળમાં રાજકોટના છાત્રનું મોત
ગુરુકુળ સંચાલકોની ભારોભાર બેદરકારીનો મૃતક બાળકના પિતા અને મામાનો આક્ષેપ : ત્રણ-ત્રણ દિવસથી ઓમ સાંગાણી બીમાર હતો છતાં ગુરુકુળના સંચાલકોએ કોઈ તસ્દી ન લીધી : છેલ્લા બે કલાકના સીસી ફૂટેજ આપવામાં ગુરુકુળના સંચાલકો રમે છે ચલકચલાણું
જૂનાગઢની જ્ઞાનબાગ ગુરુકુળમાં અભ્યાસ કરતા રાજકોટના ધો. 6ના વિદ્યાર્થી ઓમ સાંગાણીનું બિમાર થયા બાદ ગણતરીના દિવસોમાં જ મૃત્યુ થયાના બનાવે ભેદભરમના આટાપાટા સર્જયા છે. બીજી બાજુ મૃતક બાળકના પિતા સહિતના સ્વજનોએ ગુરુકુળ સંચાલકોની ભારોભાર બેદરકારીનો આક્ષેપ કરી કસુરવારો સામે પગલા ભરવાની ગુનો નોંધવાની માંગ કરતી પોલીસમાં અરજી કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં આવેલી જ્ઞાનબાગ ગુરુકુળમાં ધો. 6 માં અભ્યાસ કરતા ઓમ અંકુરભાઈ સાંગાણી નામના વિદ્યાર્થીનું ગત રવિવારે અચાનક મૃત્યુ થયાના સમાચાર સાંભળી વાલીઓ શોકના દરિયામાં ગરક બન્યા હતાં.
અચાનક વ્હાલસોયાના મૃત્યુના સમાચાર મેળવી આઘાતમાં સરી ગયેલા ઓમના પિતા અંકુરભાઈએ ભારે હદયે ગુરુકુળ સંચાલકોની લાપરવાહી ભયંકર બેદરકારીબતાવતા જણાવ્યું હતું કે, ઓમની તબિયત ગયા શુક્રવારથી બગડી હતી. આ બાબતે એમના અન્ય ક્લાસમેટ બાળકોએ સંચાલકોને જાણ કરી હોવા છતાં ઓમની સારવાર માટે જવાબદાર સંચાલકોએ કોઈ તૈયારી દાખવી ન હતી. એટલુ જ નહીં ઓમ નાદુરસ્ત તબિયતના કારણે લથોડીયા ખાતો હોવાનું સીસી કેમેરાના ફૂટેજમાં જોવા મળતો હોવા છતાં ગુરુકુળના એક પણ સંચાલકે ઓમને તબીબ પાસે લઈ જવા કે સારવાર કરાવવામાં આવી ન હતી.
મૃતક બાળકના પિતા અંકુરભાઈ અને મામા સાવનભાઈ વિઠ્ઠલભાઈ રામાણીએ આક્ષેપ કર્યો હતો કે, બનાવના છેલ્લા બે કલાકના સીસી ટીવી કેમેરાના ફૂટેજ આપવામાં ગુરુકુળના સંચાલકો ઉમંગભાઈ અને ડિરેક્ટર આશિષભાઈ કાચા ચલક ચલાણુ રમતા હોવાથી ઓમના મૃત્યુની તપાસ થવી જોઈએ તેઓએ પોલીસમાં અરજી કરી હોવાનું જણાવ્યું હતું.