શહેરના વિકાસના માઇક્રો પ્લાનીંગ માટે તમામ 18 વોર્ડની કમિટીઓ માટે મળી ખાસ સ્ટેન્ડિંગ કમિટી

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકો અને વિવિધ સોસાયટીઓની પ્રાથમિક સુવિધાઓને લગતા કામોનું અસરકારક માઇક્રો પ્લાનિંગ થઈ શકે તે હેતુથી નવી વ્યવસ્થાના…

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં રહેતા નાગરિકો અને વિવિધ સોસાયટીઓની પ્રાથમિક સુવિધાઓને લગતા કામોનું અસરકારક માઇક્રો પ્લાનિંગ થઈ શકે તે હેતુથી નવી વ્યવસ્થાના ભાગરૂૂપે વોર્ડ કમિટીઓની રચના કરવામાં આવી છે. આ નવી કાર્યપદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે જ સમસ્યાઓની ઓળખ કરીને તેનો ઝડપી અને વ્યવસ્થિત ઉકેલ લાવવાનો છે. જે-તે વોર્ડ કમિટીના પ્રમુખ સહિતના સભ્યો પોતાના વિસ્તારોમાં ફરીને ઉપલબ્ધ સુવિધાઓ અને પ્રવર્તતી દુવિધાઓ બંનેનો ઝીણવટભર્યો અભ્યાસ કરે છે અને ત્યારબાદ કયા વિકાસ કામને અગ્રતાક્રમ આપવો તે નક્કી કરે છે. આજે શહેરના તમામ વોર્ડની કમિટી માટે ખાસ સ્ટેન્ડીંગ કમિટી મળી હતી.

વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિસ્તારની વર્તમાન સમસ્યાઓ તેમજ નજીકના ભવિષ્યમાં કરવાના થતા કામોની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને સુપરત કરવામાં આવે છે. ત્યારબાદ આ સૂચવેલા કામોના અમલીકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને મોકલવામાં આવે છે. વિભાગીય અધિકારીઓ દ્વારા જે-તે કામનું તકનીકી અને નાણાકીય એસ્ટિમેટ તૈયાર કર્યા બાદ તેની વિધિવત દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવામાં આવે છે, જેથી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ જળવાઈ રહે.આ જ ક્રમમાં આજે ખાસ વોર્ડ કમિટીઓ માટે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ વિશેષ બેઠકમાં રાજકોટના તમામ 18 વોર્ડની કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સભ્યોએ પોત-પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ, રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ કે સ્ટ્રીટલાઈટ જેવી પ્રવર્તમાન સમસ્યાઓ તેમજ જરૂૂરી વિકાસ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન સભ્યોએ પોતાના વિસ્તારમાં હાથ ધરવાના થતા ભાવી કામોની યાદી પણ રજૂ કરી હતી. મનપાના આ અભિગમથી હવે છેવાડાની સોસાયટીઓ અને નવા ભળેલા વિસ્તારોના પ્રશ્નો સીધા વોર્ડ કમિટી મારફતે ઉચ્ચ સ્તરે પહોંચી શકશે. સ્થાનિક કક્ષાએથી મળતા સીધા ફીડબેક અને અગ્રતાના આધારે તૈયાર થતું આ માઇક્રો પ્લાનિંગ આગામી સમયમાં શહેરના સંતુલિત અને ઝડપી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.