ચોટીલામાં PGVCLની લાંચકાંડમાં ‘માછલી’ ઝડપાઇ, હવે ‘મગરમચ્છો’ સુધી કોણ પહોંચશે?

ચોટીલામાં PGVCLના ગ્રામ્ય સબ ડિવિઝન-2માં ફરજ બજાવતા હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજિયાને ₹60 હજારની લાંચ સ્વીકારતાં ACBએ ઝડપી પાડતાં વીજતંત્રમાં ખળભળાટ મચ્યો છે. વીજમીટર પુન:સ્થાપિત કરવાના…

ચોટીલામાં PGVCLના ગ્રામ્ય સબ ડિવિઝન-2માં ફરજ બજાવતા હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજિયાને ₹60 હજારની લાંચ સ્વીકારતાં ACBએ ઝડપી પાડતાં વીજતંત્રમાં ખળભળાટ મચ્યો છે.
વીજમીટર પુન:સ્થાપિત કરવાના બદલામાં ₹70 હજારની કથિત માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહીએ માત્ર લાંચ લેનાર કર્મચારી પૂરતી જ નહીં, પરંતુ લાંચની રકમ પાછળ કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હતી કે કેમ તે અંગે પણ સવાલો ઊભા કર્યા છે.

લાંચના છટકામાં કર્મચારી ઝડપાતાં ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી ચર્ચામાં આવી છે. જોકે, સૂત્રો પાસેથી મળતી વિગતોને આધારે સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ છે કે પકડાયેલ કર્મચારી તો ‘માછલી’ છે, જ્યારે રવિવારની રજાના કારણે ‘મગરમચ્છો’ બચી ગયાની ગપસપ ચાલી રહી છે. પરંતુ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અન્ય કોઈની ભૂમિકા સામે આવે છે કે કેમ તે મહત્વનું રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ACBને કેટલાક રેકોર્ડ આધારિત પુરાવા મળ્યા હોવાની ચર્ચા છે. આરોપીના મોબાઈલની તપાસ, કોલ ડિટેઇલ્સ અને સંબંધિત વાતચીતના રેકોર્ડની કાયદેસર તપાસથી લાંચની રકમ કોના કહેવાથી લેવામાં આવી હતી? તેમાં અન્ય કોઈની ભૂમિકા હતી કે કેમ તે અંગે મહત્વની કડીઓ મળી શકે છે.
ચોટીલા PGVCL કચેરી-2ના એક અધિકારીના કથિત ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ અગાઉ ગાંધીનગર સુધી પહોંચી હોવાની અને આ મામલે તપાસ કરવામાં આવી હોવાની ચર્ચા છે.

ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર પર સમાધાન માટે પણ વિનંતી કરવામાં આવેલ હોવાનું તેમજ કેટલાક અધિકારીઓએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો પણ ચર્ચાઈ રહ્યા છે. આથી, અગાઉની ફરિયાદો, થયેલી તપાસ અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી જરૂૂરી બને છે.

વીજમીટર પુન:સ્થાપિત કરવાના મામલે થયેલી લાંચની માંગણી અને સ્વીકાર અંગે ACBની કાર્યવાહી બાદ હવે તપાસ માત્ર પકડાયેલા હેલ્પર સુધી મર્યાદિત રહે છે કે પછી અન્ય સંભવિત કડીઓ સુધી પહોંચે છે તે જોવાનું રહેશે. આરોપીની પૂછપરછ, મોબાઈલ ડેટા, નાણાકીય વ્યવહાર અને સંબંધિત રેકોર્ડની તપાસથી જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

લાંચ લેનાર સામે કાર્યવાહી આવકારદાયક છે, પરંતુ જો આ કિસ્સામાં અન્ય કોઈની ભૂમિકા હોય તો તે પણ તપાસમાં બહાર આવવી જોઈએ. ચોટીલા PGVCL કચેરી-2 અંગે અગાઉથી ફરિયાદો થઈ હોવાની ચર્ચા વચ્ચે ACBની તપાસ પારદર્શક રીતે આગળ વધે અને હકીકતોના આધારે જવાબદારી નક્કી થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.