યુધ્ધની આડઅસર, આગ ઓલવવાનું મોંઘું થયું

છેલ્લા કેટલાય મહિનાથી ઇરાનની સામે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધનાં કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલ સહિતની ચીજવસ્તુનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે, તેના પગલે મ્યુનિ. ફાયર…

છેલ્લા કેટલાય મહિનાથી ઇરાનની સામે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધનાં કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલ સહિતની ચીજવસ્તુનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે, તેના પગલે મ્યુનિ. ફાયર બ્રિગેડ વિભાગે પણ મ્યુનિ.હદ બહાર કોમર્શિયલ મિલકતોમાં આગ બુઝાવવા જવાનાં ચાર્જમાં 600 રૂૂપિયાનો વધારો કરીને હવેથી 1600 રૂૂપિયા કરી દીધો છે અને પછી દર કલાકે 200 રૂૂપિયા વસૂલ કરવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે વધારો થયો છે અને ફાયર બ્રિગેડનાં મોટા તોતીંગ વાહનો ચલાવવામાં બહુ ડીઝલ વપરાય છે. અમદાવાદ શહેરમાં રહેણાક કે કોમર્શિયલ મિલકતમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવા માટે ચાર્જ વસૂલ કરાતો નથી. પરંતુ અમદાવાદ શહેરની બહાર બહુ મોટી આગ લાગે ત્યારે તેને બુઝાવવા માટે મ્યુનિ. ફાયર બ્રિગેડને બોલાવવામાં આવતું હોય છે.

મ્યુનિ.હદ બહાર સેવા પૂરી પાડવા બદલ ફાયર બ્રિગેડ દ્વારા કોમર્શિયલ મિલકતો માટે પ્રથમ આઠ કલાકનાં 1000 રૂૂપિયા ચાર્જ વસૂલ કરાતો હતો અને ત્યારબાદ દર બે કલાકે 250 રૂૂપિયા અને બી.એ.સિલિન્ડર વપરાય તો 300 રૂૂપિયા ચાર્જ વસૂલ કરાતો હતો. આ ઉપરાંત ઓઇલ-પેટ્રોલ કે ડીઝલની આગ ફોમથી બુઝાવવા માટે પ્રથમ આઠ કલાક માટે એક હજાર અને પછી દર બે કલાકે 250 રૂૂપિયા વસૂલ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી તથા સ્ટાફનાં ભથ્થા વગેરે માટે કોઇ ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી નહોતી. સ્ટે.કમિટી ચેરમેને કહ્યું કે, ફાયરનાં અધિકારી તરફથી તેમને જાણવા મળ્યું હતું કે, ફાયરનાં ચાર્જમાં છેલ્લે 2011-12માં વધારો કરાયો હતો. ત્યારબાદ કોઇ વધારો કરાયો નથી. બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે વધારો થયો હોવાથી મ્યુનિ. ફાયર બ્રિગેડનાં વાહન ખર્ચમાં વધારો થવા પામ્યો છે. તેમ છતાં ફાયર બ્રિગેડ સેવાનુ સાધન હોવાથી જુના ચાર્જમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે.

ફાયર બ્રિગેડ હવે મ્યુનિ.હદ બહાર કોમર્શિયલ મિલકતમાં આગ બુઝાવવા જશે તો પ્રથમ આઠ કલાકનાં 1600 રૂૂપિયા વસૂલ કરશે અને પછી દર કલાકે 200 રૂૂપિયા ગણશે. તેવી જ રીતે વિવિધ પ્રકારનાં મટિરિયલનાં ઉપયોગ બદલ જે તે મટિરિયલની બજાર કિંમત વસૂલ કરવામાં આવશે અથવા તો જે તે પાર્ટી તેને ત્યાં લાગેલી આગ બુઝાવવા માટે વપરાયેલું મટિરિયલ ખરીદીને પરત આપશે. એટલું જ નહિ ફાયર બ્રિગેડનો સ્ટાફ બહારગામ આગ બુઝાવવા જાય તો તેમને આઠ કલાક મુજબ ભથ્થું પણ ચૂકવવું પડશે.