ગુજરાત
આજીવન કેદની સજામાં પેરોલ મેળવી ફરાર થયેલા કેદીને ‘વેશપલટો’ કરી પોલીસે પકડયો
રાજકોટની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બે દિવસ સુધી અમદાવાદના બાવળા પાસે વોચ ગોઠવી હતી
રાજકોટ શહેરની પેરોલ ફર્લો સ્કોવેડની ટીમ ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓ ગમે ત્યાં છુપાયા હોય તેમને પકડી લેવા સતત પ્રયત્નશીલ છે.ત્યારે શહેર એ-ડીવીઝન પોલીસ વિસ્તારમાં 2017ની સાલમાં સદર બજાર નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ચોરીના ઇરાદે ઘુસેલા ચાર તસ્કરોએ સિક્યોરિટીનું ગળું કાપી હત્યા નિપજાવી હતી.આ ખુનનાં ગુન્હામાં આજીવન કેદની સજા પામેલા આરોપીએ રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી નિયત સમયે જેલમાં હાજર થવાના બદલે 10 મહિનાથી ફરાર થઇ જતા પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે પકડી લીધો હતો.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને નાસતા ફરતા અને પેરોલ મેળવી જેલમાં હાજર થવાને બદલે ફરાર થયેલા આરોપીઓને પકડી પાડવા એક મહિના માટે ડ્રાઇવ રાખવા જણાવ્યું હતું તેવામાં રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર,અધિક પોલીસ કમિશ્નર,નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ),મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) દ્વારા રાજકોટ શહેર તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
આ સુચનાને ધ્યાને લઇ પીઆઇ સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી. તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના એએસઆઈ અમૃતભાઈ મકવાણા, ઝહીરભાઈ, દોલતસિંહ, યોગભા,શાંતુબેન મૂળિયા,રાજદિપસિંહ ચૌહાણ, કુલદિપસિંહ જાડેજા અને રોહિતભાઈ કછોટ સહિતનો સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન અમારી ટીમને મળેલી બાતમી મળતા દિપ યુસુફભાઈ ઉર્ફે બટુકભાઈ ખીરાણી (ઉ.વ.-25 રહે.સ્પેક્ટ્રમ કોમ્પ્લેક્ષ રૂૂમ નં-01/01 સદર બઝાર ભીલવાસ ચોક ઈગલ પેટ્રોલ પમ્પ સામે રાજકોટ હાલ રહે, રવેચી હોટલ કોચરીયા રામનગર, તાલુકો બાવળા, જીલ્લો અમદાવાદ)નામના પાકા કામના આજીવન કેદની સજા પામેલા ફરાર કેદીને બાવળા તાલુકાના રામનગર પાસેથી ઝડપી લઇ અને તેમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી દેવામાં આવ્યો હતો.આ મામલે પીએસઆઈ જે.જી. તેરૈયાએ જણાવ્યું હતું કે,આરોપી બહુજ શાતીર હોય પોલીસ પકડવા આવી હોવાની ગંધ આવી જતા પોતે શહેર બદલી નાખતો હતો.અમારી ટીમે તેમનું લોકેશન મેળવી વેશપલટો કરી સતત બે દિવસથી આરોપીની વોચમાં રહી હતી અને મોકો મળતા જ તેમને પકડી લીધો હતો.