ક્રાઇમ
ચુડાના ચચાણા ગામે મકાનમાંથી 16 તોલા સોનુ, દોઢ કિલો ચાંદીની ચોરી કરનાર પકડાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભુરાભાઈ બોળિયા તા.27 ઓક્ટોબરની રાતે પત્ની રસુબેન, પુત્રી પૂનમ અને પૂજા સાથે ઘરે સૂતા હતા ત્યારે રાતે તસ્કરો ઘરમાં ત્રાટક્યા હતા. કબાટમાં મૂકેલા 3 તોલા સોનાનો પટીપારો, 3 તોલા સોનાનો વેડલા, 2 તોલા સોનાનો પંજો, 2 તોલા સોનાના કોકરવા, 2 તોલા સોનાનું મંગળસૂત્ર, 2 તોલા સોનાનો રાજા- રાણી સેટ, 1 તોલા સોનાની વીંટી, 1 તોલા સોનાની મનચલી, 1.610 કિલો ગ્રામના ચાંદીના કડલા, છડા, મંગળસૂત્ર, ઝાંઝરી, કંદોરો અને રૂૂ.90,000 રોકડા લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ડીવાયએસપી વી.એમ. રબારીએ આપેલી સૂચનાને પગલે ચુડા પીએસઆઈ એચ.એચ.જાડેજા અને પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સને કામે લગાડ્યા હતા. બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ, પૂછપરછમાં ચચાણા ગામે માલધારીના ઘરમાં થયેલી ચોરીમાં ધોળકાનો રીઢો ઘરફોડ ચોર પૂનમ ઉર્ફે પુનીયા ઠાકોરની સંડોવણી બહાર આવી હતી.
બાતમીને આધારે લીંબડી-ધંધુકા રોડ પર અચારડા ગામના પાટિયા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા પૂનમ ઉર્ફે પુનીયા પગીને ઝડપી લેવામાં આવ્યો હતો. પુનીયા પગી પાસેથી 1.610 કિલોના ચાંદીના દાગીના, રૂૂ.60,000 રોકડ રકમ, બાઈક કબજે કરાયું હતું.
ચુડા પીએસઆઈ એચ.એચ.જાડેજાએ જણાવ્યું કે, પૂનમ ઉર્ફે પુનીયાએ કબૂલાત કરી છે કે ચચાણા ગામે કરેલી ચોરીના દાગીના તેની પત્ની હકુ, ભાઈ કનુ ઉર્ફે ભોપા રમેશ ઠાકોર અને ભાભી સોનલ ઠાકોરને આપ્યા હતા. ત્રણેયે સોનાના દાગીના અમદાવાદ માણેકચોકમાં વેચ્યા હોવાની હકીકત મળી છે. ત્રણેય આરોપી સાથે સોનાના દાગીના કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
રીઢા તસ્કર વિરુદ્ધ 20 પોલીસ ફરિયાદ
લીંબડી ડીવાયએસપી વિમલ રબારીએ જણાવ્યું કે, ધોળકા ખાન તળાવ રેલવે સ્ટેશન પાસે ભરવાડ વાસમાં રહેતા પૂનમ ઉર્ફે પુનીયા ઠાકોર સામે ખેડા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં 20 પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પુનીયાને ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાનાં મકાનોને ટાર્ગેટ બનાવવાની મોડેસ ઓપરેન્ડી હતી. ગામના પાદર પાસે મોટરસાઈકલ મૂકીને છેવાડાના મકાનોની રેકી કરતો અને મોડી રાતે તેને નિશાન બનાવતો હતો.