ગુજરાત
વોર્ડ-11માં રૂા.2.07 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનશે
લગ્ન હોલની માફક મહાપાલિકા વ્યાજબી ભાડાથી પ્રસંગો માટે આપશે
રાજકોટ શહેરમાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય પારિવારિક ઉજવણી માટે પાર્ટિપ્લોટનો ક્રેઝ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. જેમાં મધ્યમ પરિવારો પણ દેખાદેખી જોઈને મોંઘા પાર્ટીપ્લોટ ભાડે રાખી ખર્ચના ખાડામાં ઉતરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ હવે ત્રણ વોર્ડને લાગુ પડે તે રીતે વોર્ડ નં. 11મા ટીપી સ્કીમ નંબર 10 ફાઇનલ પ્લોટ 73બીના પ્લોટ પર પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાના લગ્નહોલની માફક પાર્ટીપ્લોટ પણ વ્યાજબીભાવથી મધ્યમવર્ગીય પરિવારોને ભાડેથી આપવામાં આવશે. હાલ પાર્ટીપ્લોટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ શહેરના ત્રણેય ઝોનમાં પ્રસંગોની ઉજવણી માટેના પાર્ટીપ્લોટ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે. ત્રણેય ઝોનના છેવાડાના વિસ્તારોમાં મહાનગરપાલિકાના ખાલી પ્લોટનો સર્વે હાથધરવામાં આવ્યો છે. જે અંતર્ગત સૌપ્રથમ વોર્ડ નં. 11માં વિશાળ પાર્ટીપ્લોટ બનાવવામાં આવશે. મનપાના લગ્નહોલ લગ્નસરાની સિઝન દરમિયાન કાયમી હાઉસફૂલ થઈ જતા હોય છે. પરંતુ અમુક પરિવારો પાર્ટીપ્લોટમાં પોતાના સંતાનોના લગ્નનું આયોજન કરવાનું વિચારતા હોય છે.
જેની સામે પ્રાઈવેટ પાર્ટીપ્લોટમાં પણ સિઝન દરમિયાન અગાઉથી બુંકીંગ થઈ જતુ હોય અને ભાડા પણ વધારે હોવાથી અમુક પરિવારો પાર્ટીપ્લોટ ભાડે રાખી શકતા નથી. આથી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 11માં પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ખાલી પ્લોટ ઉપર પાર્ટી પ્લોટની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથધરાઈ છે. જે પૂર્ણ થયા બાદ તુરંત પાર્ટીપ્લોટનું કામ શરૂ કરવામાં આવશે. જેને સંભવત એક વર્ષ જેટલો સમય લાગે તેમ જાણવા મળેલ છે. છતાં આવતા વર્ષથી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટનો લાભ મધ્યમ પરિવારોને મળે તેવી સંભાવના જોવાઈ રહી છે.
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 11માં પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ બજેટ વખતે પણ ચર્ચા હાથ ધરાયેલ કે, ત્રણેય ઝોનમાં પ્રથમ એક-એક પાર્ટી પ્લોટ બનાવવામાં આવે જ્યારે સ્માર્ટ સીટી અટલ સરોવર ખાતે પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ અટલ સરોવરનું તમામ સંચાલન પ્રાઈવેટ એજન્સીને આપવામાં આવેલ હોય આ પાર્ટી પ્લોટનો ઉપયોગ મોંઘો સાબિત થઈ રહ્યો છે. જેના લીધે લોકો પોતાના ઘરથી નજીક અને પોતાના વિસ્તારમાં મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે તેવી ઈચ્છી રહી હોવાથી પ્રથમ 11 નંબર વોર્ડમાં પાર્ટીપ્લોટ તૈયાર કરાશે ત્યાર બાદ ઈસ્ટઝોન અને સેન્ટ્રલઝોનમાં મહાનગર પાલિકા જગ્યાનો સર્વે કરી પાર્ટી પ્લોટ તૈયાર કરશે તેમ જાણવા મળેલ છે.