ગુજરાત
મનપા-પોલીસના સહયોગ વચ્ચે 28મી ડિસેમ્બરે નાઇટ હાફ મેરેથોન યોજાશે
રાજકોટ રનર્સ એસોસિએશન અને રોટરી કલબ ગ્રેટરનું સંયુક્ત આયોજન: રૂા.13 લાખથી વધુના ઇનામો અપાશે ડ્રગ્સ- નિષેધ, ટ્રાફિક-સાયબર જાગૃતિ ફેલાવવાનો આશય
રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં બીજી વાર યુવાધનને સમાજીક, આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણના વિષયો અંગે જાગરુકતા લાવવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. 28 ડિસેમ્બર, શનિવારના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન 2.0 નું ભવ્ય આયોજન રાજકોટ મહાનગરપાલીકા અને રાજકોટ પોલીસના સહયોગથી થવા જઈ રહ્યું છે. આ નાઇટ હાફ મેરેથોન ડ્રગ્ઝ નિષેધ, ટ્રાફીક નિયમોનું પાલન,
કલીન એન્ડ ગ્રીન સીટી અને સાયબર સજાગતા જેવી બાબતો અંગે લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાશે. આ મેરેથોન રાજકોટના રેસકોર્સ ખાતેથી રાત્રે દસ કલાકે શરુ થઈ વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટાર્ટ પોઇન્ટ પર પૂર્ણ થશે. આ ઈવેન્ટની ગ્રાન્ડ લોન્ચીંગ સેરેમની તાજેતરમાં સરાઝા રેસ્ટોરન્ટ ખાતે રાજકોટના નામંકિત મહાનુભાવો, તેમજ રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના કમીટી મેમ્બર્સની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.
રાજકોટ ખાતે વર્ષ 2016 થી કાર્યરત રાજકોટ રનર્સ એસોસીએશન તમામ માટે શારીરિક સ્વાસ્થ્ય ના સુત્ર સાથે જોડાયેલુ ગુજરાત અને દેશમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત એલીટ લોકોનું 18 થી 75 વયજુથના 275 થી વધુ સભ્યો ધરાવતુ ગ્રુપ છે. જેમણે ગત વર્ષે માર્ચ 2023 માં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગરુકતા લાવવાના શુભ આશય સાથે રાજકોટ નાઇટ હાફ મેરેથોન ઇવેન્ટ યોજી યુવાઓમાં સ્વાસ્થ્યની જાગરુકતા ફેલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
તાજેતરમાં, સરાઝા રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ લોન્ચીંગ સેરેમનીમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટિનાં ચેરમેન જૈમિનભાઈ ઠાકર સહિત અનેક ક્ષેત્રના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જૈમિનભાઈ ઠાકર સાથે ખોડલધામના તુષારભાઈ લુણાગરીયા અને રાહુલભાઈ ગિનોયા, આઈ. એમ. એ. ના સેક્રેટરી ડો. અમિષભાઈ મહેતા, ઓમનિટેકના ઉદયભાઈ પારેખ, જી.એમ. ગ્રુપના ભાવિનભાઈ જાવિયા અને સીનર્જી હોસ્પિટલના ડો. કિંજલ ભટ્ટ, ડો. મયંક ઠક્કર અને ડો. તેજસ કરમટા ઉપસ્થિત રહ્યા હતા.સંદેશા અને વિષય વસ્તુઓને કેન્દ્રમાં રાખીને લોકજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રહેલો છે.
તા. 28 ડિસેમ્બરના આયોજીત આ મેરેથોનમાં રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ અને વિદેશમાંથી સ્પર્ધકો 21 કિમી ની હાફ મેરેથોન અને 10 કિમી ડ્રીમ રન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લેશે. જેમાં સ્પર્ધકોનુ રીયલ ટાઇમ મોનીટરીંગ અને સમયની નોંધ લઈ વિજેતા ઘોષિત કરવામાં આવશે. વિજેતાઓને રુ. 13 લાખથી વધુના ઇનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસો ના પ્રમુખ ડો.અજીતસિંહ વાઢેર, ઉપપ્રમુખ ડો. દેવેન્દ્ર રાખોલીયા, મંત્રી ડો. દિપ્તિ મહેતા, સહ-મંત્રી રવિ ગણાત્રા, પ્રોજેક્ટ ચેરમેન પુનિતભાઈ કોટક, રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડન્ટ જયદિપભાઈ વાઢેર, સેક્રેટરી આશિષભાઈ જોષી, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ દિપેનભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ નથવાણી સહીતના તમામ હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ નાઈટ હાફ મેરેથોનમાં ભાગ લેવા ઈચ્છતા દોડવીરો માટે રજીસ્ટ્રેશનની લીંક જાહેર કરવામાં આવશે.