ગુજરાત
કુબલિયાપરામાં મિત્રો સાથે રમતા સગીરને ગળા અને પડખાના ભાગે સૂયો લાગતા ઇજા
શહેરમાં કુબલીયાપરા વિસ્તારમાં રહેતા બાળ મિત્રો રાત્રીના સમયે રમતા હતા ત્યારે પંદર વર્ષના સગીરને ગળા અને પડખાના ભાગે સુયો લાગી ગયો હતો. સગીરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુબલીયાપરામાં રહેતો ગોપી જીતુભાઇ સોલંકી નામનો પંદર વર્ષનો સગીર રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં કુબલીયાપરા વિસ્તારમાં તેના બાળ મિત્રો સાથે પકડા પકડી રમતો હતો ત્યારે ગોપી સોલંકીને ગળા અને પડખાના ભાગે સુયો લાગી જતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં ઢેબર રોડ ઉપર આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા અમીત ભગવાનજીભાઇ જેઠવા નામનો 37 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સંધ્યા ટાણે બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાતા તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.