ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર જઈ રહેલી એક બસમાં ભીષણ આગ લાગી હતી. ઘટના સમયે બસમાં ૪૦ મુસાફરો બસમાં સવાર હતા. આગ લાગતાં જ મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેનાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહેવાલો અનુસાર આ બસ દિલ્હીથી મધ્ય પ્રદેશ જઈ રહી હતી. રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે, મથુરાના રાયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા યમુના એક્સપ્રેસવે પર માઈલસ્ટોન 110 નજીક બસમાં અચાનક આગ લાગી ગઈ. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
આગ લાગતા જ ડ્રાઈવરે સમજદારીપૂર્વક કામ લીધું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદ કરી. તમામ ૪૦ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી.
શનિવારે રાત્રે લગભગ ૧:૩૮ વાગ્યે પોલીસને આગ લાગ્યાની જાણ કરવામાં આવી. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયરકર્મીઓએ આગ ઓલવવાની કામગીરી કરી અને આખરે આગ પર કાબૂ મેળવી લીધો. આગને સંપૂર્ણપણે ઓલવવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો.ડ્રાઈવરની સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ.જોકે, બસમાં આગ લાગવાની ઘટનાને પગલે એક્સપ્રેસવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
