ગુજરાત
રૈયા ગામે રિસામણે આવેલી પરિણીતાનો સાસરિયાના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત
સાત મહિનાથી માવતરે હતી : બાલાપુર ગામે રહેતા પતિ-સાસુ અને સસરા સામે નોંધાતો ગુનો
શહેરની ભાગોળે રૈયા ગામે સાત મહિનાથી રિસામણે આવેલી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પરિણીતાએ સાસરિયાના ત્રાસથી આ પગલું ભરી લેતા પોલીસે બગસરાના બાલાપુર ગામે રહેતા પતિ-સાસુ અને સસપા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળથી વિગત મુજબ અમરેલી પંથકની પરિણીતા ઈલાબેન શીવરાજભાઈ વાળા (ઉ.વ.30) હાલમાં રાજકોટ રૈયા ગામે રહેતા તેના પિતાના ઘરે રિસામણે આવી હતી. દરમિયાન ગઈકાલે સાંજે તેણીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને સાત મહિનાથી તેણી માવતરે રિસામણે આવી હતી.
આ અંગે પોલીસે મૃતકના પિતા અનકભાઈ ધાંધલની ફરિયાદ પરથી પરિણીતાના પતિ શિવરાજ વાળા, સસરા રામકુ વાળા અને સાસુ મીણુબેન વાળા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાસરિયાઓ દહેજની માંગણી કરી અવાર નવાર માનસીક ત્રાસ આપતા હતાં જેથી કંટાળી પુત્રીએ આ પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું.