રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં મકાન ખરીદીના બાકી નીકળતા એક લાખ રૂપિયાની ઉઘરાણી મામલે એક પરિણીતા અને તેના બે ભાઈઓ પર પાંચ શખ્સોએ પાઈપ, લાકડાના ધોકા અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે 28 વર્ષીય રીનાબેન રાજેશભાઈ રાઠોડે અજયભાઈ ઉર્ફે ગબ્બર નાથાભાઇ રાઠોડ સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદની વિગતો મુજબ, રીનાબેનના સાસુએ આરોપી અજયભાઈ પાસેથી મકાન ખરીદ્યું હતું, જેના એક લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા. ગત તારીખ 12 મે 2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ ઘરે આવી ઉઘરાણી કરી ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે રીનાબેને ગાળો આપવાની ના પાડી ત્યારે આરોપી અજયભાઈએ લાકડાના ધોકા વડે, શૈલેષભાઈએ લોખંડના પાઈપ વડે અને ધમાએ ઈંટો તથા લાદીના ટુકડા વડે રીનાબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા દરમિયાન આરોપી ગીતાબેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા.
હુમલા બાદ ઈજાગ્રસ્ત રીનાબેનને તેમના ભાઈઓ અનિલભાઈ અને સુરેશભાઈ રિક્ષામાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે ચનાબાપાની હોટલ પાસે આરોપી અજય અને વિમલ ઉર્ફે બાઠીયાએ રિક્ષા આંતરી હતી. અહીં ફરીથી ઝઘડો કરી આરોપી વિમલે સુરેશભાઈના માથામાં કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે અજયે અનિલભાઈને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. હુમલાખોરોએ બંને ભાઈઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ તમામ ઈજાગ્રસ્તો રાજકોટની ગોકુળ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જ્યાં રીનાબેનને માથાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. થોરાળા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
