Site icon Gujarat Mirror

જૂનાગઢમાં એક્ટિવા લઇ નશીલી ‘સિરપ’ વેંચવા નીકળેલો શખ્સ ઝડપાયો, મોરબીના શખ્સનું નામ ખુલ્યું

જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક્ટિવા પર નશીલી કફ સિરપની સપ્લાય કરવા નીકળેલા 20 વર્ષીય એસાન ઉર્ફે ’લપ’ને કુલ ₹68,183ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. યુવા પેઢીને નશાના માર્ગે ધકેલતા આ ગેરકાયદે વેચાણના નેટવર્કને તોડવા માટે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મોરબીના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ પોલીસને સચોટ બાતમી મળી હતી કે ચુનારાવાસમાં રહેતો એસાન નામનો યુવાન એક્ટિવા પર નશીલી સિરપનો જથ્થો લોડ કરીને મજેવડી દરવાજાથી ખામધ્રોળ ફાટક તરફ ગ્રાહકોને માલ આપવા જવાનો છે.

આ માહિતીના આધારે પોલીસે ગેબનશા પીરની દરગાહ પાસે વ્યુહાત્મક રીતે છટકું ગોઠવ્યું હતું. રાત્રિના સમયે જ્યારે રસ્તાઓ સૂમસામ હતા, ત્યારે બાતમી મુજબના શખ્સને અટકાવી તલાશી લેતા પોલીસને મોટી સફળતા મળી હતી. આરોપીના એક્ટિવામાંથી પ્રતિબંધિત કોડીન ફોસ્ફેટ યુક્ત ‘REXCRON-T’ કફ સિરપની 100 ળહ ની કુલ 53 સીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે કુલ ₹68,183 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે જૂનાગઢ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારની દવાઓનું વેચાણ અને સંગ્રહ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે.

પકડાયેલા આરોપી એસાનની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નશીલી દવાઓનો આ જથ્થો તેને મોરબીના કેતન નામના શખ્સે પૂરો પાડ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસની એક ટીમ મોરબીના સપ્લાયરને ઝડપી પાડવા રવાના થઈ છે. પોલીસને શંકા છે કે આ એક મોટા ડ્રગ રેકેટની કડી હોઈ શકે છે જે મોરબીથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં નશીલી દવાઓ સપ્લાય કરે છે. જૂનાગઢ પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોના વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરને નશામુક્ત બનાવવા અને યુવાનોના ભવિષ્યને બચાવવા માટે પોલીસે આગામી દિવસોમાં વધુ કડક તપાસના સંકેત આપ્યા છે.

Exit mobile version