રાજકોટના શખ્સે મોરબીના વેપારી સહિત બે લોકોના લોનના રૂપિયા ઉપાડી વાપરી નાખ્યા

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને અન્ય એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ, ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમની જાણ બહાર હજારો રૂૂપિયાની…

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને અન્ય એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ, ઇન્સ્ટન્ટ લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમની જાણ બહાર હજારો રૂૂપિયાની લોન ઉપાડી લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના એક શખ્સે કાવતરું રચીને બંને પીડિતોના નામે અલગ-અલગ લોન પાસ કરાવી લીધી હતી અને લોનની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી વાપરી નાખી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબીના ગ્રીન ચોક પાસે રહેતા વેપારી સંજયભાઈ સવજીભાઈ કાગડા (ઉંમર 42) ની દુકાને ગત ફેબ્રુઆરી 2026 માં મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી (રહે. લકી પાર્ક, રાજકોટ) નામનો શખ્સ આવ્યો હતો. તેણે સંજયભાઈને ઇન્સ્ટન્ટ લોન અપાવવાની લાલચ આપી તેમનો મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ આરોપીએ સંજયભાઈની જાણ બહાર તેમના નામે 62,000 અને 11,000 ની લોન મંજૂર કરાવી લીધી હતી. આ જ રીતે આરોપીએ સંજયભાઈની દુકાને આવતા આસનદાસ જીવણભાઈ રબારી નામના વ્યક્તિને પણ વિશ્વાસમાં લઈ તેમના નામે પણ 40,000 અને 26,500 ની લોન કરાવી લીધી હતી.

આ લોનમાંથી આરોપીએ આસનદાસને ટુકડે-ટુકડે માત્ર 4,000 પરત આપ્યા હતા અને બાકીની રકમ ઓળખીતોના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આમ, આરોપી મહાવીરસિંહે વેપારી અને સાહેદની જાણ બહાર કુલ 88,500 ની લોન કરાવી, તે રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી બંને સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.