ગુજરાત
હાર્ટએટેક વધુ ચાર જિંદગી ભરખી ગયો
શાપરમાં યુવાન, રાજકોટ અને કાળીપાટ ગામે બે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હદય રોગને હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટનાપ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટ પંથકમાં વધુ ત્રણ વ્યક્તિના શ્વાસ થંભી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શાપરમાં યુવાન, રાજકોટ અને કાળીપાટમાં ત્રણ પ્રૌઢનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા કારખાનામાં કામ કરતો કૃષ્ણકુમાર મંગરૂૂરામ બિહારી નામનો 23 વર્ષનો યુવાન કારખાનાની ઓરડીમાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતાં શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ બિહારનો વતની હતો અને ચાર બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો અને અપરિણીત યુવાન છેલ્લા બે વર્ષથી શાપરમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા સોમાભાઈ ડાયાભાઈ વારગીયા નામના 45 વર્ષના પ્રૌઢ રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સોમાભાઈ વારગીયા બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં રાજકોટની ભાગોળે ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે રહેતા હંસરાજભાઈ નરશીભાઈ ગોવાણી નામના 47 વર્ષના પ્રૌઢ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કાલગત નિવડે તે પૂર્વે જ હંસરાજભાઈ ગોવાણીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછ હંસરાજભાઈ ગોવાણી ત્રણ ભાઈ બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ચોથા બનાવમાં ગવલીવાડ મેઇન રોડ ઉપર આવેલ વીરમાયા પ્લોટમાં રહેતા દેવજીભાઈ શામજીભાઈ ચાવડા નામના 47 વર્ષના પ્રૌઢ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા દેવજીભાઈ ચાવડાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં દેવજીભાઈ ચાવડા બે ભાઈ બે બહેન.આ મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત ત્રણેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.