Site icon Gujarat Mirror

સાઇબાબા અને બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

શહેરના સામાકાંઠે રણછોડનગરમાં આવેલા સાઇબાબા મંદિર અને આજીવસાહતમાં આવેલા બહુચરાજી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને પોલીસે ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં તેણે આ બે મંદિર ઉપરાંત રવિવારીમાંથી મોબાઇલ પણ તફડાવી લીધાની કબુલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રણછોડનગર શેરી નંબર 13 કુવાડવા રોડ પર રહેતા વેપારી જય ભરતભાઈ રાજાણી (ઉ.વ. 27) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈ તા. 20/2/2026 ના રાત્રિના સમયે અહીં કુવાડવા રોડ પર રણછોડનગર શેરી નંબર 13 માં આવેલા સાંઈબાબા મંદિરમાં કોઈ અજાણ્યા શખસે પ્રવેશ કરી મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂૂપિયા 12,000 રોકડની ચોરી કરી લીધી હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી બાતમીના આધારે ધ્રુપદ ઉર્ફે ધ્રુપેશ ઉર્ફે ધૂપલો અશોકભાઈ દેત્રોજા વ્યાસ (ઉ.વ. 23 રહે. કોઠારીયા સોલવન્ટ, ચૈતન્ય હનુમાન મંદિર પાસે, મૂળ ગઢકા તા.રાજકોટ)ની ધરપકડ કરી રોકડ રૂપિયા 15,481 અને એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

આરોપીએ આપેલી કબુલાત મુજબ રણછોડનગરમાં સાંઈબાબાના મંદિરો ઉપરાંત આજી વસાહત શેરી નંબર 10 ત્રણ માળિયા કવાર્ટરની બાજુમાં બાપા સીતારામ ચોક પાસે આવેલા બહુચરાજી માતાના મંદિરમાં પ્રવેશી મંદિરની દાનપેટીમાં ડુબલીકેટ ચાવી લગાડી તાળું ખોલી રૂૂપિયા 4000 રોકડ ચોરી દરિયાની કબુલાત આપી હતી. આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન પણ ચોરાઉ હોવાનું કબૂલ્યું હતું જે મોબાઈલ ફોન તેણે રવિવારી બજારમાં ભીડનો લાભ લઇ એક વ્યક્તિના ખિસ્સામાંથી શેરવી લીધો હોવાની કબુલાત આપી હતી. આરોપી હાલ કંઈ કામ ધંધો કરતો ન હોય મોજશોખ પૂરા કરવા અને ખર્ચો કાઢવા માટે તક મળે ત્યાં હાથ ફેરો કરી લેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version