ગુજરાત
રાજકોટના રાજસમઢિયાળા પાસે બાઈક સાથે રોઝડું અથડાતા ગેરેજ સંચાલકનું મોત
રાજકોટ તાલુકાના કાથરોટા ગામે રહેતા અને ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન રાજકોટ દુકાનનો માલ-સામાન લઈ પરત ફરી રહ્યો હતો. ત્યારે ભાવનગર રોડ ઉપર રાજસમઢિયાળા ગામ પાસે રંગુનમાતા મંદિર નજીક રોજડુ અચાનક રસ્તા પર આવતા ગેરેજ સંચાલકનું બાઈક રોઝડા સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગેરેજ સંચાલકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના કાથરોટા ગામે રહેતા ગોપાલભાઈ મગનભાઈ મકવાણા નામનો 30 વર્ષનો યુવાન સાંજના છ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને લાખાપર ગામ અને સમઢિયાળા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રંગુનમાતાજીના મંદિર પાસે પહોંચતા બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં નાનો હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્ર હતાં.
મૃતક ગોપાલ મકવાણા સરધાર ગામે ગેરેજ ચલાવતો હતો અને રાજકોટ સામાન લેવા માટે આવ્યો હતો. અને સામાન લઈને પરત જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક રોઝડુ આડુ ઉતરતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.