ગુજરાત
ગાંધીધામમાં ટાટાના વર્કશોપમાં આગ ભભૂકી, અઢી કરોડની 15 કાર સળગીને ખાખ
શહેરના જી.આઈ.ડી.સી. સેક્ટર-11માં આવેલા ટાટાના વર્કશોપમાં આગ ભભૂકી ઊઠતાં અહીં ઊભેલી 15 કાર સળગી ગઈ હતી.
આગના આ બનાવથી અઢી કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. શહેરના જી.આઈ.ડી.સી. સેક્ટર-11માં પ્લોટ નંબર 96માં આવેલા ટાટા કાર્ગો મોટર્સના વર્કશોપમાં ગત તા. 8/11ના સાંજના ભાગે આગ ભભૂકી ઊઠી હતી.
વર્કશોપમાં જ્યાં કાર રાખવામાં આવી હતી તેના શેડમાં શરૂૂઆતમાં આગ લાગી હતી. આગ લાગતાં વર્કશોપના કામદારોમાં દોડધામ થઈ પડી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આગના બનાવ અંગે અગ્નિશમન દળને જાણ કરાતાં અહીં લાયબંબા દોડી આવ્યા હતા અને આગને ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી નહોતી. અગ્નિશમન દાળના જવાનોએ ત્રણેક કલાક સુધી પાણીનો મારો ચાલુ રાખ્યા બાદ આ આગ કાબૂમાં આવી હતી.
આગ કાબૂમાં આવે તે પહેલાં વર્કશોપમાં રાખેલ શેડનાં પતરાં, પેઈન્ટ બૂથ, લાઈટ વાયરિંગ, ટુ પોસ્ટ લિફ્ડ, કારના ખુલ્લા સ્પેરપાર્ટસ, શેડમાં રાખેલ 27માંથી 15 કાર પણ સળગી ગઈ હતી .આગના આ બનાવમાં રૂૂા. અઢી કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ખરેખર આગ કેવા કારણોસર લાગી હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.