રાષ્ટ્રીય
મધ્યપ્રદેશમાં ટ્રેનમાં આગ ભભૂકી, અનેક મુસાફરો ચાલુ ટ્રેને કૂદી પડયા
જાનહાની નથી, ગ્રામજનો આગ ઓલવવા દોડી ગયા
ટ્રેન દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. આ વખતે રવિવારે મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં આગ લાગી હતી. જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને અનેક મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ટ્રેન ઈન્દોરથી રતલામ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના સીપીઆરઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09347 ડો. આંબેડકર નગર-રતલામ ડેમુ ટ્રેનમાં રવિવારે સાંજે 5:20 વાગ્યે આગ લાગી હતી. આ આગ રૂૂનિજા અને નૌગાંવ વચ્ચે ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. ટ્રેનના એન્જિનમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં ફાયર બ્રિગેડને પહોંચવાનો કોઈ રસ્તો નથી.
ઈન્દોરથી રતલામ જઈ રહેલી ડીઇએમયુ ટ્રેનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. તે સમયે ટ્રેન રૂૂનીચા અને પ્રીતમનગર વચ્ચે હતી. ફાયર બ્રિગેડને સ્થળ પર પહોંચવા માટે કોઈ રસ્તો ન હતો. સ્થાનિક લોકો અને રેલવે કર્મચારીઓએ સાથે મળીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગ્યા બાદ સ્થાનિક ખેડૂતોએ તેમના મોટર પંપ અને પાઈપનો ઉપયોગ કરીને આગ ઓલવવામાં મદદ કરી હતી. તેમની તત્પરતાના કારણે જ આગ પર કાબુ મેળવી શકાયો હતો.