રૈયા ચોકડી પાસેની હોસ્પિટલમાં લેડી ડોક્ટર અને પોલીસ પીઆઈ વચ્ચે બઘડાટી

પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવામાં વિલંબ થતાં મામલો બિચક્યો; સિવિલ સર્જને તપાસ બાદ કાર્યવાહીની આપી ખાતરી રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે સરકારી તબીબ અને પોલીસ અધિકારી…

પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવામાં વિલંબ થતાં મામલો બિચક્યો; સિવિલ સર્જને તપાસ બાદ કાર્યવાહીની આપી ખાતરી

રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે સરકારી તબીબ અને પોલીસ અધિકારી વચ્ચે તીખી તકરાર થવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના રૈયા ચોકડી નજીક કાર્યરત સેલસ હોસ્પિટલમાં આજે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના અરસામાં ભારે અફરાતફરી અને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સિવિલ હોસ્પિટલના મહિલા મેડિકલ ઓફિસર ડો. ધ્રુવા, તેમની સાથેનો નર્સિંગ સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સના બે ડ્રાઇવર સહિતનો આખો સરકારી કાફલો ગોંડલ પંથકમાં બનેલી એક ઘટનાના બે ઇજાગ્રસ્ત દર્દીઓ સંજય અને સચિનના પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવાની કાયદાકીય કામગીરી અર્થે ત્યાં પહોંચ્યો હતો. આ સરકારી ફરજ દરમિયાન જ હોસ્પિટલના દર્દી વોર્ડની અંદર મેડિકલ ઓફિસર અને પોલીસ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ ઘટનાની વિગત એવી છે કે બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલતી હતી તે સમયે સેલ્સ હોસ્પિટલના વોર્ડમાં જ મેડિકલ ઓફિસર ડો. ધ્રુવા અને ગોંડલના સુલતાનપુર પોલીસ મથકના પીઆઇ જે.એ. ખાચર વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક યુદ્ધ શરૂૂ થઈ ગયું હતું. તે સમયે ફરજ પરના મહિલા મેડિકલ ઓફિસરે પોલીસ અધિકારીને ટકોર કરતા જણાવ્યું હતું કે, આ બંને દર્દીઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તમે બંને હોસ્પિટલની સત્તાવાર ફાઇલ અહીં આપીને જજો.

મહિલા ડોક્ટરના આ વળતા જવાબથી પીઆઇ ખાચર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, અમે તમામ નિયમો અને કાયદાકીય ફોર્મલિટી મુજબ સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટને લેખિતમાં યોગ્ય ભલામણ પત્ર આપ્યા બાદ જ તમે અહીં સેમ્પલ લેવા માટે આવ્યા છો. આ તબક્કે મેડિકલ સુપ્રીડેન્ટ દ્વારા તેમની સાથે અયોગ્ય અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની બાબત પણ ચર્ચામાં આવી હતી. જો કે, આ વિવાદ વધુ વણસે અને હોસ્પિટલની શાંતિ જોખમાય તે પહેલાં જ સેલ્સ હોસ્પિટલના સ્થાનિક સ્ટાફે ત્વરિત સમયસૂચકતા અને મધ્યસ્થતા કરી હતી. તેમણે બંને ઉચ્ચ અધિકારીઓને શાંતિપૂર્વક સમજાવીને મામલો થાળે પાડ્યો હતો તેમજ બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવી દીધું હતું.

આ સમગ્ર મામલે જ્યારે ઉચ્ચ તબીબી સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ ચકચારી ઘટનાથી સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા તદ્દન અજાણ હતા. તેમણે આ મામલે પત્રકારોને પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,આ ગંભીર બાબતમાં જો તપાસ દરમિયાન મેડિકલ ઓફિસરની કોઈ પણ પ્રકારની ભૂલ, નિયમભંગ કે ગેરવર્તણૂક સાબિત થશે, તો વહીવટી તંત્ર દ્વારા તેમની સામે ચોક્કસપણે કડક શિક્ષાત્મક અને કાયદેસરની વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.

રાતના 8 વાગ્યે જાણ કરી તબીબી સ્ટાફ સેમ્પલ લેવા ચાર કલાક મોડો પહોંચ્યો: પીઆઇ
બીજી તરફ આ સમગ્ર વિવાદ અને ઉગ્ર બોલાચાલી અંગે ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એ. ખાચરે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખતા હોસ્પિટલ તંત્રની કામગીરી સામે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, અમે બંને ઇજાગ્રસ્તોના પ્રોહીબિશનના બ્લડ સેમ્પલ લેવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટને સમયસર અને લેખિતમાં સત્તાવાર જાણ કરી દીધી હતી. આમ છતાં, લેખિતમાં જાણ કરવા છતાં પણ મેડિકલ ઓફિસર ડો. ધ્રુવા અને તેમનો સ્ટાફ છેક ચાર કલાક મોડો એટલે કે વહેલી સવારે ચાર વાગ્યે અહીં પહોંચ્યો હતો. અમે ગઈકાલ રાત્રિના આઠ વાગ્યાથી લઈને વહેલી સવારના ચાર વાગ્યા સુધી સતત સિવિલ હોસ્પિટલ સ્ટાફની રાહ જોઈને બેઠા રહ્યા હતા અને સિવિલ હોસ્પિટલના ધક્કા ખાતા રહ્યા હતા. આથી પરેશાન થઈને પીઆઇ ખાચરે દેકારો કરતા તબીબને રોકડા જવાબમાં પરખાવ્યું હતું કે, “મેડમ, તમારો ઈગો કાબુમાં રાખો. અમે રાતના આઠ વાગ્યાથી હેરાન થઈ રહ્યા છીએ, છતાં તમે માત્ર સેમ્પલ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આટલો બધો કિંમતી સમય કાઢી નાખ્યો!”