રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી પરિણીતા પારડી ગામ પાસે શિતળા માતાજીના મંદિર નજીક હતી ત્યારે પારીવારિક સંબંધ ધરાવતાં પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. પિતા-પુત્રએ છરીના દસથી બાર ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી ઝુબેદાબેન અયુબભાઈ ગુડદી નામની 35 વર્ષની પરિણીતા ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં પારડી ગામે આવેલા શિતળા માતાજીના મંદિર પાસે હતી ત્યારે પ્રવિણ ઉર્ફે પબલો અને તેના પુત્રએ ઝઘડો કરી ઝુબેદાબેન ઉપર છરી વડે હુમલો કરી દસ થી બાર જેટલા ઘા ઝીંકી દીધા હતાં. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલી પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલી ઝુબેદાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઝુબેદાબેનના પતિ અયુબભાઈ હાલ વતનમાં ગયા છે. ઝુબેદાબેન અને હુમલાખોર પ્રવિણ ઉર્ફે પબલો અગાઉ પારડી ગામે બાજુ બાજુમાં રહેતાં હતાં અને બન્ને વચ્ચે પારીવારિક સંબંધો હતાં. ગઈકાલે ઝુબેદાબેન પારડી ગામે હતાં ત્યારે પ્રવિણ ઉર્ફે પબલો અને તેના પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઝુબેદાબેન હાલ બેભાન અવસ્થામાં હોવાથી હુમલા પાછળનું કારણ જાણવા મળ્યું ન હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે હુમલાખોર પિતા પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધવા શાપર પોલીસે તજવીજ હાથ ધરી છે.
