ગુજરાત
મોસાળમાં તહેવાર કરવા ગયેલા સંતાનોને તેડવા જતા પિતાનું બાઇક અકસ્માતમાં મોત
રાજકોટથી મોરબી જતા આધેડનું બાઇક કાગદડી પાસે સ્લિપ થતા ઘટી ઘટના: પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં મોરબી રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા આધેડ મોરબી ગામે મોસાળમાં તહેવાર કરવા ગયેલા સંતાનોને તેડવા જતા હતા ત્યારે કાગદડી પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
રાજકોટમાં મોરબી રોડ ઉપર નવા માર્કેટ યાર્ડ પાસે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ દેવરાજભાઈ જેઠવા નામના 48 વર્ષના આધેડ પોતાનું બાઈક લઈને કાગદડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મનસુખભાઈ જેઠવાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મનસુખભાઈ જેઠવાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મનસુખભાઈ જેઠવાના પુત્ર પ્રિન્સ અને પુત્રી રોશનીબેન મોરબીમાં રહેતા મોસાળના ઘરે સાતમ આઠમનો તહેવાર કરવા ગયા હતા અને તહેવાર કરવા ગયેલા સંતાનોને તેડવા જતી વખતે મનસુખભાઈ જેઠવાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.