યુવકની ફરિયાદને આધારે ફેક આઈડી બનાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો
રાજકોટમાં અજાણ્યા શખ્સે મહિલાના ફોટા અને વિડિયોનો દુરુપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ્સ મુકતા પતિએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીને ગત તા. 19/02/2026ના રોજ તેમના મિત્રનો ફોન આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે તેમની પત્નીના ફોટા અને વિડિયોનો ઉપયોગ કરી કોઈ અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છે. આ આઈડીના પ્રોફાઇલ પિક્ચર તેમજ પોસ્ટ્સમાં મહિલાના ફોટા-વીડિયો મૂકવામાં આવ્યા હતા અને તેમાં “હોટ ગર્લ” તથા “સેક્સી જેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ અંગે જાણ થતાં ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી હતી. બાદમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી હતી. અજાણ્યા શખ્સ દ્વારા ખોટી ઓળખ સાથે આઈડી બનાવી પત્નીના ફોટા અને વિડિયો તેમની જાણ અને મંજૂરી વગર અપલોડ કરી સામાજિક બદનામી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા ફેક આઈડીના સ્ક્રીનશોટ અને પોસ્ટ કરાયેલા વિડિયોના ફોટા પુરાવા રૂૂપે રજૂ કરવામાં આવ્યા છે.
