કારખાનેદારને લગ્ન કંકોત્રીથી APK ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી 99 હજાર પડાવ્યા

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી ટોપલેન રેસીડેન્સીમાં રહેતા અને પડધરી તાલુકાના ખોડાપીપર ગામે સિમેન્ટ બ્લોકનું કારખાનું ચલાવતા કારખાનેદાર સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાની ઘટના…

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી ટોપલેન રેસીડેન્સીમાં રહેતા અને પડધરી તાલુકાના ખોડાપીપર ગામે સિમેન્ટ બ્લોકનું કારખાનું ચલાવતા કારખાનેદાર સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. વોટ્સએપ પર આવેલી લગ્નની કંકોત્રીની નકલી APK ફાઇલ દ્વારા મોબાઇલ હેક કરીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ખાતામાંથી કુલ રૂૂ. 99,970 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા છે. આ મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની વિગત મુજબ, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી ટોપલેન રેસીડેન્સીમાં રહેતા 41 વર્ષીય દિપકભાઈ સુરેશભાઈ ડાવેરા સિમેન્ટ બ્લોકનું કારખાનું ચલાવે છે, ગત તા. 19/11/2026 ના રોજ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ તેઓ ખોડાપીપર ગામે પોતાના ઘરે હતા, ત્યારે તેમના મોબાઇલ પર બે અલગ-અલગ ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. મેસેજ તપાસતા જાણવા મળ્યું હતું કે તેમના બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી પ્રથમ ટ્રાન્ઝેક્શનમાં રૂૂ. 97,870 અને બીજા ટ્રાન્ઝેક્શનમાં રૂૂ. 2,100 મળી કુલ રૂૂ. 99,970 ઉપડી ગયા છે. ઘટનાની જાણ થતા જ દિપકભાઈએ તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત તા. 06/10/2026 ના રોજ પણ દિપકભાઈના મિત્રનું વોટ્સએપ હેક થયું હતું અને તેમના નંબર પરથી લગ્નની કંકોત્રીની APK ફાઇલ આવી હતી. તે સમયે ફાઇલ ઓપન કરતા તેમનો ફોન હેક થયો હતો અને રૂૂ. 13,700 ની છેતરપિંડી થઈ હતી, જેની અરજી રાજકોટ ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનમાં તપાસ હેઠળ છે. ફરી એકવાર ફોનમાં રહેલી ફ્રોડ અથવા હાઇડ એપ્લિકેશનના માધ્યમથી હેકર્સે તેમના ખાતામાંથી રૂૂ. 99,970 સેરવી લીધા છે. હાલ પડધરી પોલીસે અજાણ્યા સાયબર હેકર્સ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 318(4) અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો નોંધી, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌહાણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.