ગુજરાત
પોરબંદરમાં અમિતાભ બચ્ચનના દિવ્યાંગ ચાહકે એસિડ પી લઇ જીવન ટૂંકાવી લીધું
પેરેલિસિસનો હુમલો આવ્યા બાદ સારુ ન થતા પગલુ ભરી લીધું, રાજકોટમાં દમ તોડયો
પોરબંદર જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે. અમિતાભ બચ્ચનની ચાહરે એસિડ પી લઇ જીવન ટૂંકાવ્યું હતું. રવિ પાર્ક વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોક લાગતા યુવતી મોતને ભેટી હતી. જ્યારે બગવદર પંથકમાં બાઇક આડે પશુ ઉતરતા સ્લીપ થતાં યુવાનનું કરૃણ મોત નીપજ્યાનો બનાવ બન્યો હતો.
પોરબંદરમાં અમિતાભ બચ્ચનનો દિવ્યાંગ ચાહક મનીષ વાઘેલા કે જે દર વખતે અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ ધામધૂમથી પોરબંદરમાં ઉજવતો હતો અને પોરબંદર ખાતે અમિતાભ બચ્ચન ખુશ્બુ ગુજરાત કીની જાહેરાત કરવા આવ્યા. ત્યારે તેમને રૃબરૃ મળ્યો હતો,
આ દિવ્યાંગ ચાહકને કેટલાક દિવસો પહેલા પેરેલેસીસનો હુમલો આવ્યો હતો અને સારવાર કરવા છતાં સારૃં થયું નહીં હોવાથી તેણે એસિડ પી લીધું હતું અને સારવાર માટે ભાવસિંહ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ લાવવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.
અન્ય એક બનાવમાં જ્યુબેલી વિસ્તારમાં પાણીનાં ટાંકા નજીક રહેતા ભરત ભીખુભાઇ રાઠોડ દ્વારા ઉદ્યોગનગર પોલીસ મથકમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે તેમની પુત્રી ક્રિષ્નાબેન સાગરભાઇ રાણાવાયા (ઉ.વ. 27)ને તેમના રવિ પાર્ક વિસ્તારમાં તેમના ઘરે જ કોઇ કારણોસર ઇલેક્ટ્રીક શોક લાગતા મોત થયું છે.
આ તરફ મોઢવાડાની કરાર સીમમાં રહેતા પ્રતાપભાઇ મસરીભાઇ મોઢવાડીયા (ઉ.વ. 49) પોતાનું બાઇક લઇને બગવદર પોલીસ મથકની હદમાંથી પસાર થતા હતા. ત્યારે બાઇક આડે કૂતરું બે બીલાડું આવી જતા ચાલક સ્લીપ થઇ ગયું હતું. ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત થયું છે.