રાજકોટ જીલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત જસદણ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક વિસ્તારમાં એક સફળ દરોડો પાડીને પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂૂ.28 હજારના ગાંજા સાથે દેવીપૂજક શખ્સને ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ, જસદણના લાતી પ્લોટ, ગોખલાણા રોડ પર આવેલી સાત ડેરી પાસે રહેતા એક શખ્સના ઘરે ગેરકાયદેસર નશીલા પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની સચોટ માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે જસદણ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાએ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી રૂૂ.28 હજારનો 577 ગ્રામ શંકાસ્પદ પ્રતિબંધિત વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં આ પદાર્થ વનસ્પતિજન્ય લીલો ભેજયુક્ત ગાંજો હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી 19 વર્ષીય દેવદાન રમેશભાઇ ઉર્ફે મર્દ મકવાણા નામના દેવીપુજક શખ્સની અટકાયત કરી છે. આરોપી પોતાના ઘરે આ ગેરકાયદેસર કેફી પદાર્થ રાખી તેનું વેચાણ અથવા હેરાફેરી કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. પોલીસે ગુન્હા વાળી જગ્યાએથી તમામ મુદ્દામાલ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી જપ્ત કર્યો છે.
આ મામલે જસદણ પોલીસે આરોપી દેવદાન ઉર્ફે મર્દ મકવાણા વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે. આ માદક પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કેટલા ઇસમો સામેલ છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.
