રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક લોકોની જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના શાપરમાં મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં ભુમિ ગેઈટ અંદર આવેલ શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની શિવાંગીબેન ગુડ્ડુભાઈ રાજભટ્ટ નામની સાત વર્ષની માસુમ બાળકીને ઝાડા ઉલ્ટીની બિમારી સબબ તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બાળકીનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મુળ ઉતર પ્રદેશનો વતની છે. મૃતક બાળકી ત્રણ ભાઈ બે બહેનમાં મોટી હતી. બાળકીનો પરિવાર શાપર વેરાવળમાં આવેલા શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરે છે. માસુમ બાળકીનું ઝાડા ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
