તટસ્થ અને સ્વચ્છ છબી ધરાવતા વેસ્ટ ઝોનના ડીએમસી ચેતન નંદાણીના વડપણ હેઠળ સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, સિટી ઇજનેર પરેશ અઢિયા, એકાઉન્ટન્ટ સવજિયાણી અને આસી. કમિશનર કાથરોટિયાનો સમાવેશ
રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ઐતિહાસિક ડિમોલિશનમાં સવા ત્રણ કરોડે પહોંચેલા કાગળ પરના ખર્ચના હિસાબમાં લાખો રૂૂપિયાનો કડદો થયો હોવાના છાંટા ઉડવાથી બચવા માટે શાસકોએ તો તપાસ કમિટી(સીટ)ની રચના કરવા હુકમ કર્યો છે. પણ આ તપાસ કમિટીમાં ઘરના ભુવા અને ઘરના જ ડાકલાની જેમ જ્યાથી કૌભાંડના પાયા નખાયા હતા એ વહીવટી વિભાગના જ અધિકારીઓની ટીમ બનાવાઇ છે.
જો કે તટસ્થ અને સ્વચ્છ છબી ધરાવતા વેસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીને સીટના વડા બનાવવામા આવ્યા છે. તેમના વડપણ હેઠળ અન્ય ચાર અધિકારીઓની ટીમ બની છે. બીજીબાજુ જંગલેશ્વર ઇસ્ટ ઝોન વિસ્તારમાં આવતા હોય ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર પથિક પટેલ અને પ્રથમથી જ શંકાના ઘેરાવામાં આવી ગયેલા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને દૂર રાખવામા આવ્યા છે.
મનપાની 15 સમિતિના ચેરમેનોએ ગઇકાલે પદગ્રહણ કર્યુ એ જ દિવસે મેયર ડો.નેહલ શુક્લ સહિતના શાસકોએ પોતાની ચામડી બચાવવા જંગલેશ્વર પ્રકરણમાં તપાસ કમિટીની રચના કરવાની ગઇકાલે ઘોષણા કરી હતી. પાર્ટી તરફથી શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને પણ એ સમયે હાજર રાખવામા આવ્યા હતા. દરમિયાન ગઇકાલે સાંજે તપાસ કમિટીની રચના કરવામા આવી હતી. મુખ્ય પાંચ અધિકારીઓની ટીમ બનાવવામા આવી છે. તપાસ કમિટી(સીટ)ના વડા વેસ્ટ ઝોન કચેરીના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી રહેશે. તેમના વડપણ હેઠળ સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, સિટી ઇજનેર પરેશ અઢિયા, એકાઉન્ટન્ટ સવજિયાણી અને આસી.કમિશનર કાથરોટિયાનો સમાવેશ કરવામા આવ્યો છે.
તપાસ રિપોર્ટ આપવામાં નો-ટાઇમ લિમિટ
મેયરના આદેશથી તપાસ કમિટીની રચના થઇ, પાંચ અધિકારીની નિમણુંકના ઓર્ડર પણ થયા પરંતુ વિચારવા જેવું એ છે કે તપાસ કેટલા સમયમાં પુરી કરવી? કેટલા દિવસમાં તપાસ રિપોર્ટ આપવો? તેવી કોઇ સમય મર્યાદા લેખીતમાં નકકી નથી થઇ. આનો સીધો મતલબ એ થઇ શકે છે કે તપાસ ચાલુ છે. તેવા જવાબ આપી કટકીકાંડનું પ્રકરણ ટાઢુ પાડવાનો જ પ્રયાસ છે.
TRPકાંડમાં મગરમચ્છ રાજકારણીઓના આબાદ બચાવની જેમ વધુ એક ગોઠવાતો તખ્તો?
મનપાના કર્મચારીગણમાં એક જ ગણગણાટ હાલ થઇ રહ્યો છે કે, જે રીતે ટીઆરપી હત્યાકાંડમાં માત્રને માત્ર વહીવટી વિભાગના જ અધિકારીઓ બલીના બોકડા બન્યા છે. એકપણ રાજકીય નેતા સાણસામાં આવ્યા નથી. આવી જ રીતે હવે જંગલેશ્વર ડિમોલિશનમાં પણ પૂર્વ પદાધિકારીઓના જ શાસનમાં બમણા ભાવના રેટ કોન્ટ્રાક્ટના વહીવટ થઇ ચુક્યા હોય આમછતાં પાર્ટીની આબરૂૂ બચાવવા માટે સીટની રચના કરી વહીવટી વિભાગ ઉપર જ દોષનો ટોપલો ઢોળવામા આવી શકે છે. કર્મચારીગણમાં એક ચર્ચા એવી પણ છે કે, જે રીતે ટીઆરપીકાંડમાં પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાનો ઘડો લાડવો થયો એવી જ રીતે કસુરવાનના કઢેડામાં માત્રને માત્ર આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને જ ઉભા રાખી તેનો રસ્તા કરવાની સાથે કટકીકાંડ ટાઢુ પાડી દેવા માટે તો ‘સીટ’ના નામે તખ્તો ગોઠવાયો છે.
TRP, આવાસ કૌભાંડ, સિટી બસ અકસ્માતમાં ‘સિટ’નો અત-થી-ઇતિ સુધીનો અહેવાલ હજુ પણ ખાનગી
સમગ્ર દેશને હચમચાવતા ટીઆરપી અગ્નિ(હત્યા)કાંડમાં પણ તપાસ કમિટી બની હતી, એ પછી ગત વર્ષે તા. 16 એપ્રિલના રોજ સિટી બસના ચાલકે બેફામ બસ દોડાવીને ઇંદિરા સર્કલ જેવા ભરચક્ક વિસ્તારમાં ચાર નિર્દોષ લોકોના ભોગ લીધા હતા. આ સમયે પણ કમિશનર તુષાર સુમેરા દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના રિપોર્ટ પણ એક વર્ષ કરતાં લાંબો સમય પસાર થઇ ગયા છતાં હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી. આવી જ રીતે મહાનગરપાલિકાના બે કોર્પોરેટરો દ્વારા નાણાંકિય ગોલમાલ કરીને પોતાના સગા વહાલાઓને આવાસની ફાળવણી કરી હોવાનું ખુલ્યું હતુ. આ પ્રકરણમાં પણ જે તે સમયે તપાસ સમિતિની રચના થઇ હતી. આ બન્ને કૌંભાડોના અહેવાલ જાહેર કરવાને બદલે દબાવી દેવાયા છે. હવે જંગલેશ્ર્વરના આ જશ્ન માટે પણ તપાસ સમિતિની રચના થઇ છે. હવે જોવાનું એ રહ્યુ કે, કટકીકાંડનો તપાસ રિપોર્ટ આમજનતાને ખબર પડે તે રીતે જાહેર થાય છે કે નહીં?
