ગુજરાત
સુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયું
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશિપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રંગીલા ટાઉનશિપમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી. ટાઉનશિપની ટેરેસ પર તાડપત્રી બાંધી ચાલતા જુગારધામના સ્થળ પરથી ઈન્જેકશન, કોન્ડમ અને બિયરના ખાલી ટીન મળી આવ્યાં હતાં. પોલીસે 60 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જો કે, એક જુગારી પોલીસને જોઈ કૂદી પડતા ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી આજે અલગ અલગ ટીમ બનાવીને રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. રંગીલા ટાઉનશિપના ચોથા માળે ટેરેસ પર તાડપત્રી બાંધીને જુગાર ધામ ચલાવવામાં આવતું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે 60થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
સાથે જ એક સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ નીચે કૂદી ગયો હતો. જેથી તેને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને પોલીસ દ્વારા પકડીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટેરેસ પર તપાસ હાથ ધરવામાં આવતા બિયરનાં ખાલી ટીન, કોન્ડમ અને ઇન્જેક્શન પણ મળી આવ્યાં હતાં. જેથી અહીં જુગારીઓ માટે જુગારની સાથે નશાની પણ વ્યવસ્થા કરાતી હોવાનું સામે આવ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તમામ આરોપીઓની ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ બે લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આ આંકડો વધી શકે છે.