ધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો

ડોર ટુ ડોર કચરો લેવા જતા દંપતીને ધમકાવી અપમાનિત કર્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખ…

ડોર ટુ ડોર કચરો લેવા જતા દંપતીને ધમકાવી અપમાનિત કર્યા હતા

ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખ અને વોર્ડ નંબર 4 ના ઉમેદવાર ગુલઝાર વડાણીયા સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત નિલેશભાઈ અને તેમના પત્ની વોર્ડ નંબર 4 વિસ્તારમાં વાહન દ્વારા ઘરે-ઘરે જઈ કચરો એકત્ર કરવાનું કામ કરે છે. નિત્યક્રમ મુજબ, તેઓ કચરો ઉઘરાવી રહ્યા હતા ત્યારે સ્મશાન નજીક આમ આદમી પાર્ટીના કાર્યકર શોયેબ બાદશાહ આવ્યા હતા. તેમણે કચરો ઉઘરાવતા નિલેશભાઈને ધમકાવી પોતાના ઘરેથી કચરો લઈ જવા જણાવ્યું હતું.

નિલેશભાઈ કચરો લઈને આગળ વધ્યા પછી, શોયેબ બાદશાહ ફરીથી ડોર-ટુ-ડોર વાહન પાછળ ગયા હતા. તેમણે નિલેશભાઈ અને તેમના પત્નીને ધમકાવી, દિવસમાં સૌથી પહેલા પોતાના ઘરેથી કચરો લેવા માટે દબાણ કર્યું અને તેમને માર માર્યો હતો.

આ દરમિયાન, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ગુલઝાર વડાણીયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે નિલેશભાઈને ધમકાવી, જાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યો હતો.

આ સમગ્ર બનાવ બાદ નિલેશભાઈએ પોતાના ડોર-ટુ-ડોર કોન્ટ્રાક્ટર અને અન્ય સાથી કામદારોને જાણ કરી હતી. ત્યારબાદ, તમામ લોકો એકત્ર થઈ સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગુલઝાર વડાણીયા તથા શોયેબ બાદશાહ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.