જેતપુરના એક શખ્સને ઇન્સ્ટાગ્રામ પર પિસ્તોલ સાથેનો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો ઉદ્યોગનગર પોલીસે યુવક સામે નોંધ્યો ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વીડિયો બનાવીને રૌબ જમાવવો કે ભય ફેલાવવો હવે ગુનાહિત પ્રવૃત્તિ બની ગઈ છે. જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ બાવનજીભાઈ સારીખડાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તા. 01/04/2026ના રોજ “સત્ય સમર્પણ ન્યૂઝ” માં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક ઇસમ જમણા હાથમાં પિસ્તોલ રાખી પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો.
પોલીસે જ્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ વીડિયો “SKThakorSK” નામના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દેખાતો શખ્સ સુનીલ બારૈયા હોવાનું ખૂલ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, સુનીલ બારૈયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવો ભયજનક વીડિયો અપલોડ કરીને સામાન્ય જનતામાં દહેશત અને ગભરાહટ ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. આ પ્રકારનું વર્તન જાહેર શાંતિ માટે જોખમરૂૂપ હોય ત્યારે આ ગંભીર બેદરકારી અને કાયદાના ઉલ્લંઘન બદલ ઉદ્યોગનગર પોલીસે સુનીલ બારૈયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS): કલમ 353(2) અને 270 જી.પી. એક્ટ: કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના બાદ પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરવું, હિંસા ઉશ્કેરવી કે ભય ફેલાવવો એ ગંભીર અપરાધ છે. આવા કૃત્યો કરનાર તત્વો વિરુદ્ધ સાયબર સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે.
