ગુજરાત
અસહય ઉકળાટ વચ્ચે છવાયું ગાઢ ધુમ્મસનું આવરણ
રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સવારે 9 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ, હાઇવે પર વિઝિબિલિટી ઝીરો થઇ જતા વાહન ચાલકો પરેશાન, મુંબઇ-રાજકોટની ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઇ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ચોમાસાએ મોડેમોડે વિદાય લીધી છે. પરંતુ દિવાળી આવી જવા છતા હજુ ઠંડીનો ચમકારો જોવા મળ્યો નથી. ત્યારે આજે સતત ત્રીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ છવાયો હતો અને સવારે 9 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાયેલો હોવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. જ્યારે સવારે મુબંઇથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હિરાસર એરપોર્ટ ઉપર ઉતરી નહીં શકતા અમદાવાદ ડાયવર્ટ કરાઇ હતી અને વેધર કિલયર થયા બાદ ફરી રાજકોટ લાવવામાં આવી હતી. આ સિવાય સવારમાં આવતી ઇન્ડિગોની ફ્લાઇટ પણ થોડી મોડી કરવામાં આવી હતી.
આજે રાજકોટમાં ગાઢ ધુમ્મસ વચ્ચે અસહય ગરમી અને ઉકળાટનો અનુભવ થતા વિચિત્ર વાતાવરણ જોવા મળ્યું હતું. લોકોને ઘરોમાં અસહય ઉકળાટનો અનુભવ થયો હતો.
આજે સતત ત્રીજા દિવસે રાજકોટમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા રસ્તાઓ ભીના થઇ ગયા હતા. તો હાઇવે ઉપર વિઝિવિલિટી ઝીરો થઇ જતા વાહનોની હેડ લાઇટો, ચાલુ કરવાની ફરજ પડી હતી અને વાહનો માંડ 25થી 40 ઝડપે ચલાવી શકતા હતા. હાઇવે ઉપર 50 ફૂટ પણ દૂર જોઇ શકાતુ ન હોવાથી ભારે મુશ્કેલી પડી હતી.
સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ સાથે અસહય ગરમી અને ઉકળાટનો પણ અનુભવ થઇ રહ્યો છે. ભૂજ-ડિસા સહિતના સ્થળોએ તાપમાનનો પારે 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો રાજકોટ-અમદાવાદમાં 37થી 38 ડિગ્રી તાપમાનના કારણે આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. લોકો દિવસે આકરી ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.