Site icon Gujarat Mirror

સિંહણ અને બે બાળસિંહનો નદી પાર કરતો રમણીય નજારો

કુદરતના ખોળે વસેલું ગીરનું જંગલ હંમેશા તેના અનોખા વન્યજીવન માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીર જંગલનો એક એવો વીડિયો વાઇરલ થયો છે, જેણે વન્યપ્રેમીઓના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં એક સિંહણ તેના બે માસૂમ બચ્ચા સાથે જંગલની નદી પાર કરતી જોવા મળી રહી છે.

વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જંગલ વિસ્તારમાંથી પસાર થતી એક નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. સિંહણ અને તેના બે સિંહબાળ નદીના કાંઠે પહોંચે છે. સામે કાંઠે જવા માટે સિંહણ એક ‘જવાબદાર માતા’ની ભૂમિકા ભજવતી જોવા મળે છે.

પોતાના બચ્ચાઓ પાણીમાં સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે સિંહણ પહેલા પોતે પાણીમાં ઉતરે છે.
પાણીની ઊંડાઈ માપતી વખતે સિંહણ વારંવાર પાછળ વળીને પોતાના બચ્ચાઓ તરફ જુએ છે, જાણે તેમને હિંમત આપી રહી હોય. માતાને પાણીમાં ઉતરતી જોઈ, બંને સિંહબાળ પણ નદીના પાણીમાં ડગલાં માંડે છે અને સફળતાપૂર્વક સામે કાંઠે પહોંચે છે. આ મનોહર દૃશ્યો કોઈ પ્રવાસીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ અંગે જ્યારે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે આ વીડિયો ગીર જંગલનો જ છે.

જોકે, સિંહોની સુરક્ષા અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ વીડિયો ક્યાર ચોક્કસ સમય અને વિસ્તાર (રેન્જ)નો છે તે જણાવવાનું ટાળ્યું હતું. જંગલના શાંત વાતાવરણમાં સિંહ પરિવારની આ મસ્તી અને શિસ્તબદ્ધ જીવનશૈલી જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. ગીરના ઘરેણાં સમાન એશિયાટિક સિંહોના આવા વીડિયો વારંવાર સાબિત કરે છે કે ગીર કેમ સિંહો માટે વિશ્વનું સર્વશ્રેષ્ઠ નિવાસ સ્થાન માનવામાં આવે છે.

Exit mobile version