જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના શિવપરા વિસ્તારમાં રહેતી એક યુવતિએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ ફરિયાદ મુજબ પડાણા ગામના શિવપરા વિસ્તારમાં રહેતા દેવાભાઈ કાનાભાઈ વધોરાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમની પુત્રી રવિનાબેન દેવાભાઈ વધોરા ઉંમર વર્ષ 19), મજૂરી કામ કરતી હતી, અને સ્વભાવે તામસી તેમજ લાગણીશીલ હતી.
પરિવારજનો દ્વારા અન્ય બહેનોને વધુ સારી રીતે રાખવામાં આવે છે, અને પોતાના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવા વિચારો મનમાં રાખીને રવિનાબેન આવેશમાં આવી ગઈ હતી. ત્યારબાદ પોતાના રહેણાંક મકાનમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે, યુવતિનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર એન થાનકી વધુ તપાસ ચલાવી રહ્યા છે. મૃતક ની મોટી બહેનનું ત્રણ દિવસ પહેલા જ સગપણ થયું હતું, જેને પરિવારજનો સારી રીતે રાખતા હોવાનું અને પોતાનું ધ્યાન ન રાખતા હોવાનું મૃતકને મનમાં લાગી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
