ગુજરાત
ગુલાબનગરમાં પાણી ઢોળવા મુદ્દે 14 વર્ષના સગીર ઉપર પાડોશી શખ્સોનો લાકડીથી હુમલો
જુદા-જુદા ત્રણ સ્થળે મારા મારી: પરિણીતા સહિત ત્રણને ઇજા
શહેરમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં રહેતા સગીર સાથે પાણી ઢોળવા મુદ્દે ઝઘડો કરી પાડોશી શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો. સગીરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સ્ટુડન્ટ વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં રહેતા જયરામ બહારમતુ મહંતો નામનો 14 વર્ષનો સગીર પોતાના ઘર પાસે હતો. ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ઘર પાસે રહેતા પાડોશી નાગજી ભરવાડ અને હિના ભરવાડ સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. સગીરને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઘર પાસે પાણી ઢોળવા મુદ્દે પાડોશી શખ્સોએ સગીર ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અન્ય બનાવમાં 80 ફુટ રોડ ઉપર આવેલા આજી વસાહતમાં રહેતી રીનાબેન યશભાઈ મકવાણા નામની 36 વર્ષની પરિણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે કરણ સહિતનાએ ઝઘડો કરી માર માર્યો હતો.
ગ્રીન ચોકડી પાસે લાલપરી વિસ્તારમાં રહેતા વિપુલ રસિકકુમાર ખાણીયા નામનો 39 વર્ષનો યુવાન સાથે અજય સહિતના શખ્સોએ તું અહીંથી કેમ નીકળ્યો તેમ કહી માર માર્યો હતો જ્યારે મોટામવા સ્મશાન પાસે રહેતા આજય ધીરુભાઈ જખાનિયા નામનો 25 વર્ષનો યુવાન કાલાવડ રોડ જકાતનાકા પાસે હતો ત્યારે વીજુ અને સંજલાએ લાકડી વડે માર માર્યો હતો. મારા મારીમાં ઘવાયેલી પરિણીતા સહિત ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.