ગુજરાત
રેલનગરમાં માસીના ઘરે દિવાળી કરવા આવેલા 14 વર્ષીય તરૂણનું ડેન્ગ્યુથી મોત
રાજકોટમાં તહેવારો ટાંણે જ રોગચાળાએ માથુ ઉચક્યું હોય તેમ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં અગાઉ ડેંગ્યુથી વિદ્યાર્થી સહિત બે લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક બનાવમાં રેલનગરમાં માસીના ઘરે દિવાળી કરવા આવેલા પરપ્રંતિય 14 વર્ષીય તરૂણનું ડેંગ્યુથી મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ઉત્તરપ્રદેશની વતની દિપક આમીદભાઈ સરૂજ (ઉ.વ.14) નામનો તરૂણ રેલનગરમાં લાલ બહાદૂર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા તેના માસી રસીદાબેન યુનુસભાઈના ઘરે આવ્યો હતો. દરમિયાન ગત રાત્રે છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબો દ્વારા ઈસીજી કરી ત્રણ દિવસની દવા આપી હતી. બાદમાં આજે સવારે તે ઘરે બેભાન થઈ જતાં ફરી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈતપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું.
આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તરૂણના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. પીએમ રીપોર્ટમાં મૃતક તરૂણને ડેંગ્યુની અસર હોવાનું સામે આવ્યું હતું. જેથી ડેંગ્યુથી મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક દિપક ચાર ભાઈ એક બહેનમાં વચેટ અને તેના પિતા મજુરી કામ કરે છે.
તે પાંચેક દિવસથી રાજકોટમાં માસીના ઘરે દિવાળી કરવા માટે આવ્યો હતો. દરમિયાન ડેંગ્યુથી મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.